વિમાન દુર્ઘટનાના દિવંગત આત્માઓની પરમ શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ગૃહે શ્રદ્ધાંજલિ આપી

File Photo
વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ સભ્યશ્રીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી
રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજય ભાઇ રૂપાણીના પ્રદાનને સૌએ યાદ કર્યું
Gandhinagar, ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઇ રમણિકલાલ રૂપાણી અને અમદાવાદની વિમાન દુર્ઘટનામા અવસાન પામેલા દિવંગતો તેમજ પૂર્વ દિવંગત સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર બુધવાર ૮મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે.
આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વ. વિજયભાઈ રૂપાણી, ગુજરાતના પૂર્વ મંત્રીશ્રી સ્વ. શ્રીમતી હેમાબેન સૂર્યકાંત આચાર્ય, ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વ. ઇશ્વરસિંહ શિવાજી ચાવડા અને સ્વ. શ્રીમતી નૂરજહાંબખ્ત મોહમ્મદ ઈબ્રાહીમખાન બાબી, ગુજરાતના પૂર્વ નાયબમંત્રીશ્રી સ્વ. પ્રો. બળવંતરાય બચુલાલ મણવર તથા ગુજરાતના પૂર્વ સભ્યો સ્વ. શ્રી ભૂપેન્દ્રકુમાર સેવકરામ પટણી અને સ્વ. શ્રી રણછોડભાઇ કરસનભાઇ મેરને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાનની સરાહના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની કરુણાંતિકાના સૌ દિવંગત મુસાફરોને પણ ભાવાંજલિ અર્પણ કરી હતી.
તેમણે સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યશ્રીઓની જાગતિક જન પ્રતિનિધિ તરીકેની સેવાઓને બિરદાવીને તેમના આત્માઓની પરમ શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ અને પ્રતિપક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યશ્રીઓએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં જોડાઈને સૌ દિવંગત પૂર્વ સભ્યોને અને વિમાન દુર્ઘટના ના મૃતકોને ભાવાંજલિ આપી હતી.
સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યશ્રીઓના અવસાન અંગે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.