૮૩ વર્ષે ‘નવો સૂર્યોદય’: રમેશ કાનાડે સિંગાપુરમાં જીત્યા બે સિલ્વર મેડલ, યુવાનો માટે બન્યા પ્રેરણારૂપ

વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની 3 મીટર અને 1 મીટર કેટેગરીમાં સિલ્વર મેળવ્યા
સમગ્ર ભારતમાંથી સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની કેટેગરીમાં ભાગ લેનાર એકમાત્ર વ્યક્તિ-આ સ્પર્ધા જીતવા રમેશ કાનાડેએ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારમાંથી ટ્રેનિંગ લીધી હતી
૮૩ વર્ષની ઉંમરે જયારે મોટાભાગના લોકો જીવનની સાંજ માણતા હોય છે,ત્યારે આ સિનિયર સિટીઝને પોતાના જ જીવનમાં એક નવો સૂર્યોદય સર્જી દીધો છે. સ્વિમિંગ પૂલમાં તેઓએ દેખાડેલી દોડ માત્ર પાણીમાં તરંગો જ નહીં પણ યુવાનોના દિલમાં ઉત્સાહના મોજાં ઉઠાવી ગઈ છે. બે સિલ્વર મેડલ જીતતાં તેમણે સાબિત કર્યું કે, ઉંમર ક્યારેય અવરોધ નથી—અવરોધ હોય તો માત્ર મનનો છે.
આજે તેમની જીત દરેક યુવાન માટે સંદેશ છે કે, સપનાઓને સિદ્ધ કરવા માટે “હવે મોડું થઈ ગયું” જેવી કોઈ વાત નથી, મોડું તો ત્યારે થાય છે જયારે આપણે પ્રયત્ન છોડીએ છીએ.
આ વાત છે અમદાવાદના એરફોર્સના રિટાર્યડ ઓફિસર અને અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારના સભ્ય રમેશ કાનાડની જેમણે જિદ્દ અને મહેનત થકી 83 વર્ષની ઉમંરે સિંગાપુરમાં આયોજીત વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપ સિંગાપુર -2025માં સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની 1 મીટર કેટેગરીમાં સિલ્વર મેડલ અને 3 મીટર કેટગેરીમાં પણ સિલ્વર મેડલ એમ કૂલ બે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે.
આ અંગે વાત કરતા 83 વર્ષિય રમેશ કાનાડે કહે છે કે, આ કોમ્પિટિશનમાં ભાગ લઇને મારે સમગ્ર વર્લ્ડની અંદર મારી પોઝિશન જાણવી હતી અને એ મારી સૌથી મોટી જિદ્દ પણ હતી. આ જ જિદ્દે મને આ કોમ્પિટિશનમાં બે સિલ્વર મેડલ અપાવ્યા છે. મને આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે સ્વિમિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારનો ખુબ સપોર્ટ રહ્યો છે.
મેં સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારના હેડ કોચ કિશનસિંહ ડાભી પાસેથી ટ્રેનિંગ લઇને સિંગાપુરમાં આયોજિત વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સ્નાનાગારના સ્ટાફનો પણ ઘણો સપોર્ટ મળ્યો હતો. આ સાથે સિંગાપુરમાં આયોજીત વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં સમગ્ર ભારતમાંથી માત્ર હું એક જ સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની કેટેગરીમાં ભાગ લેનાર હતો.
આજના યુવાનોને સંદેશ આપતા રમેશ કાનાડે કહે છે કે, હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારમાં આવતા યુવાનોને સખત પ્રોત્સાહન પણ આપતો રહું છું. દરેક યુવાનોને એક જ વાત કહું છું કે, દરેક યુવાનોએ પોતાની મંઝિલ મેળવવા સખત મહેનત કરવી જોઈએ. પોતાની મંઝિલ મેળવવા માટે મહેનત જ સૌથી મોટો રોલ ભજવે છે. એટલા માટે દરેક યુવાનોએ મહેનત ન છોડવી જોઇએ કેમ કે આ મહેનતની જિદ્દ જ એક દિવસ સફળતા અપાવે છે.
વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં અગાઉ 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે
83 વર્ષિય શ્રી રમેશ કાનાડે વર્ષ 2017થી સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. વર્ષ 2017માં બેંગ્લોર ખાતે આયોજિત વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં 3 મીટર સ્પ્રિંગ ડાઈવિંગ બોર્ડમાં સિલ્વર મેડલ, વર્ષ 2018માં વિશાખાપટ્ટનમાં આયોજિત વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં 3 મીટર સ્પ્રિંગ ડાઈવિંગ બોર્ડમાં ગોલ્ડ મેડલ, વર્ષ 2019માં લૌખનૌમાં આયોજિત વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત દોહાના કતારમાં વર્ષ 2024માં આયોજિત ચેમ્પિયનશિપમાં 3 મીટરમાં સિલ્વર મેડલ અને 1 મીટરમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
અમદાવાદ સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન બનશે
ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્ર સાથે ગુજરાત સરકારે રમતગમતના વિકાસ માટે મજબૂત નીતિઓ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું છે. આ સાથે રાજ્યના ઉભરતા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે,જે ૨૦૩૬ના ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરવાની સંભાવનાઓને મજબૂત બનાવે છે.
રાજ્યભરમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ દ્વારા ફ્યુચર મેડાલિસ્ટ તૈયાર કરવાનો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ધ્યેય છે. સાબરમતી રિવરફ્રન્ટ હાલ ફેઝ-IIમાં નિર્માણાધીન છે,વોટર સ્પોર્ટ્સ જેવી રમતો માટે રિવરફ્રન્ટ યોગ્ય સ્થળ બની શકે છે.આ રિવરફ્રન્ટ પર ૨ કિલોમીટર જેટલા વિસ્તારમાં ઓલિમ્પિક-સ્ટાન્ડર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાનું આયોજન છે,જેમાં વોટર બેરેઝનું નિર્માણ થઈ રહ્યું છે.
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં ઓલિમ્પિક કક્ષાનું નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ પામ્યું છે, જે ઓલિમ્પિક કક્ષાની વિવિધ રમતોની યજમાની કરવા સજ્જ છે. આમ, આવનારા સમયમાં અમદાવાદ સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન બનશે.