ગોધરા-અમદાવાદ હાઈવે પર લૂંટ કરવાની નવી મોડસ ઓપરન્ડી

ગોધરાના સામલી ગામે બનેલો લૂંટનો ગુનો ઉકેલાયોઃ ત્રણ આરોપીઓ સુરતમાંથી ઝડપાયા
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા તાલુકાના સામલી ગામે બે વ્યક્તિઓને ધાકધમકી આપી બળજબરીથી રોકડ રૂપિયા તથા UPI મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યાનો ગુનો ઉકેલવામાં આવ્યો છે. ગોધરા એલ.સી.બી., એસ.ઓ.જી. અને ગોધરા તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી કરતા સુરતમાંથી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે.
આ કાર્યવાહી પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારી તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈ અને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના નેતૃત્વમાં ટીમે ટેકનિકલ સર્વેલન્સ, નેત્રમ કમાન્ડ કંટ્રોલના CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપીઓની ઓળખ કરી સુરતમાંથી ઝડપી પાડ્યા હતા
૧રાહુલ ધનશ્યામભાઈ ગોયેલ (રહે. હીરા નગર, પાંડેસરા, સુરત)૨ ધિરજ વિરેન્દ્ર જયસ્વાલ (રહે. અડાજણ પાલનપુર, સુરત) ૩ આશિષ છોટેલાલ વર્મા (રહે. જહાંગીરપુરા, સુરત)આરોપીઓએ કબૂલાત કરી હતી કે તા. ૩૦/૦૮/૨૦૨૫ના રોજ ગોધરા-અમદાવાદ હાઈવે પર મોટરસાયકલ સવાર બે વ્યક્તિઓને રોકી તેમની પર હુમલો કરી ગાડીમાં બેસાડી જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા.
બાદમાં તેમને ધાકધમકી આપી રોકડા રૂપિયા રૂ.૫૦,૦૦૦/- તેમજ UPI મારફતે રૂ.૨૫,૦૦૦/-, રૂ.૧૧,૦૦૦/-, રૂ.૧૬,૦૦૦/- અને રૂ.૨૭,૦૦૦/- એમ કુલ રૂ.૧,૨૯,૦૦૦/- વસૂલ્યા હતા.ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૪ ૨૫૦૯૬૨/૨૦૨૫ ભારતીય દંડ સંહિતા કલમ ૩૦૮(૨), ૩૦૮(૩), ૫૪ મુજબ નોંધાયેલ ગુનો. ગોધરા પોલીસની સંયુક્ત ટીમની ઝડપી કામગીરીથી આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓ કાયદાની જાળમાં સપડાયા છે.