Western Times News

Gujarati News

પૂર્વ સૈનિકોએ હિંમતનગર પોલીસવડા કચેરી બહારનો હાઇવે ચક્કાજામ કેમ કર્યો?

ટ્રાફિક ડાયર્વટ કરાયો-હિંમતનગરની ઘટનામાં પૂર્વ સૈનિકો અને સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

(પ્રતિનિધિ)હિંમતનગર, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત અઠવાડીએ પસાર થઇ રહેલા એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.ત્યારે સોમવારે નિવૃત્ત સૈનિકો અને સ્થાનિકોએ રેલી કાઢી જિલ્લા પોલીસ વડા ની કચેરી બહાર મુખ્ય ગેટ આગળ સૂત્રોચાર કર્યો હતો અને

ત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ તેઓ ફરીથી જિલ્લા પોલીસવડા કચેરી આગળ ઉશ્કેરાટમાં આવી જઇ સૂત્રોચાર કરી અને હિંમતનગર-ઇડર હાઇવે ચક્કાજામ કરી દેતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતુ.જેથી રોડ પરથી અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. જોકે સોમવારે બપોરે મામલો વધુ ગરમાય નહી તે આશ્યથી વહીવટી તંત્રએ વાહન ચાલકો માટે રોડ ડાયર્વટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગત અનુસાર ગત અઠવાડીએ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહેલા તલોદ તાલુકાના પોયડા ગામના રહીશ અને આર્મીમાં ફરજ બજાવતા યશપાલસિંહ ઝાલા પોતાની કાર લઇને પસાર થઇ રહ્યા હતા.

ત્યારે ટ્રાફિક જવાન હિતેન્દ્રસિંહે અટકાવી કાર પર લગાવાયેલ બ્લેક ફિલ્મ બાબતે આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારબાદ આર્મી જવાન વિરુદ્ધ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસ અને આર્મી જવાન વચ્ચેની ઝપાઝપીમાં આર્મી જવાનને ઇજા થતાં તેઓ સારવાર માટે હિંમતનગર સિવિલમાં દાખલ થયા હતા.

તો બીજી તરફ આ મામલે સોમવારે માજી સૈનિકો તથા સ્થાનિકોએ એકજુટ થઇ હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવ્યા બાદ રેલી સ્વરૂપે તેઓ પોલીસવડા કચેરી આગળથી પસાર થઇને જિલ્લા કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા.

જયાં આવેદનપત્ર આપ્યા બાદ તેઓ ફરીથી પોલીસવડા કચેરી આગળ આવી બેસી ગયા હતા અને હિંમતનગર-ઇડર હાઇવેને ચક્કાજામ કરી દીધો હતો. જેથી વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યુ હતુ.આ લખાય છે ત્યારે સાંજે ૫ વાગ્યાના સુમારે જિલ્લા પોલીસવડા કચેરી આગળ બેસી રહ્યા હતા ત્યારે કેટલાક અગ્રણીઓએ જિલ્લા પોલીસવડાની મુલાકાત લઇને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ જવાન વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે જિલ્લા કલેકટર લલિત નારાયણસિંઘ સાદુને આવેદનપત્ર આપ્યા બાદ જિલ્લા કલેકટરે આગામી ચાર દિવસમાં કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી. તેમ છતાં કેટલાક નિવૃત્ત આર્મી જવાનોએ આજે જ ગુનો દાખલ કરવાની જીદ પકડી હતી.જેથી હવે આ મામલામાં કેવો વળાંક આવશે તે જોવાનું રહ્યું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.