ભરૂચ દુધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચુંટણીમાં એક બેઠક બિનફરીફ થઈ

ગત તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણી અગાઉ BTP સાથે છેડો ફાડીને સેંકડો કાર્યકરો સાથે પ્રકાશ દેસાઇએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો.
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી ભરૂચ દુધધારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખપદનો તાજ ઘનશ્યામ પટેલના શિર પર રહ્યો છે. હાલમાં દુધધારા ડેરીની ચુંટણી યોજાઈ રહી છે.ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી માળખામાં અગ્રક્રમે રહેનાર ભરૂચ દુધધારા ડેરીની ચુંટણીમાં ભાજપાના જ બે મહારથીઓ આમને સામને થતાં જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો.
ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલ્લા બેઠક પર અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દિપક પાદરીયાએ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા ઉમલ્લા બેઠક બિનહરીફ થઈ હતી. કુલ ૧૫ બેઠકોમાં ભાજપા દ્વારા ઘનશ્યામ પટેલની પેનલના ૧૨ અને અરૂણસિંહ રણાની બેઠકના ૩ ઉમેદવારોને મેન્ડેડ આપવામાં આવ્યા હતા. જેમાં ઉમલ્લા બેઠક પર પ્રકાશ દેસાઈને મેન્ડેડ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે દુધધારા ડેરીની ચુંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના ડેરીના વહિવટમાં વર્ષોના શાસન સામે વાગરાના ભાજપાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પડકાર ફેંકતા ડેરીની ચુંટણીમાં ભાજપાના બે મહારથીઓ આમને સામને થતાં ભરૂચ નર્મદા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો.
ડેરીની ચુંટણીમાં તીવ્ર રસાકસીના એંધાણ વચ્ચે ઉમલ્લાની બેઠક પર અરૂણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ થતાં તાલુકા જિલ્લા પંચાયતોની આગામી ચુંટણીમાં પણ પ્રકાશ દેસાઈ મહત્વની ભુમિકા જાળવી રાખવામાં સફળ થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે ગત તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણી અગાઉ બીટીપી સાથે છેડો ફાડીને સેંકડો કાર્યકરો સાથે પ્રકાશ દેસાઇએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો.
વળી અત્રે નોંધનીય છેકે ડેરીની હાલની ચુંટણીમાં બીટીપી સુપ્રિમો છોટુ વસાવાના પુત્ર અને ડેડીયાપાડાના પુર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ઝંપલાવ્યું છે. ત્યારે રસાકસી તરફ આગળ વધી રહેલ ડેરીની ચુંટણીના પરિણામો આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણીમાં પણ નિર્ણાયક પરિબળ બનીને આગળ આવે તેવું રાજકીય તજજ્ઞોનું માનવું છે.