ડિગ્રી વગર દવાખાનું ચલાવતો નકલી તબીબ ઝડપાયો

AI Image
દવાખાનામાંથી દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો મળ્યા
વડોદરા, ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય એસોજીએ કરજણ તાલુકાના સનીયાદ ગામે ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરનાર નકલી ડોકટરને ઝડપી પાડ્યો હતો. નકલી દવાખાનું ચલાવતા આ ફર્જી ડોકટરના કલીનિકમાંથી એલોપેથી દવાઓ, બીપી માપવાનું મશીન તેમજ મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલે ઓપરેશન પરાક્રમ હઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે આધારે એસોજી પો.ઈન્સ. જે.એમ.ચાવડાએ સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું
તે દરમિયાન કરજણ ખાતે એસોજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે સનિયાદ ગામમાં શંકર પરેશ સમંદર કોઈપણ ડિગ્રી વગર કે લાયસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરી એલોપેથી દવાઓનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી પ્રેક્ટિસ કરી રહ્યો છે.
જે માહિતીના આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે ચોરાંદ પી.એસ.સી. સેન્ટરના જવાબદાર અધિકારીઓને સાથે રાખી એ નકલી ડોકટરના દવાખાના પર રેઈડ મારી હતી. આ નકલી ડોકટરના દવાખાનામાંથી એલોપેથીક દવાઓનો જથ્થો તથા બીપી માપવાનું મશીન મેડિકલ પ્રેક્ટિસને લગતો અન્ય સામાન મળી કુલ રૂપિયા ૧૩,૯૩૩,૬૬નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.