Western Times News

Gujarati News

અમદાવાદમાં ઓલ ગુજરાત  કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપોને મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો

9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો.

આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કેરાજ્ય સરકાર દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારના કામમાં સહભાગી બનીએ.

ખાદ્યપાકકળા અને પેય ઉદ્યોગોના 150થી વધુ સ્ટોલ્સમાં કેટરર્સના ઉત્પાદનોનું પ્રદર્શન આ કેટરિંગ એક્સ્પોની વિશેષતા છે. આ ઉપરાંતકેટરિંગ એસોસિએશનના સભ્યોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ અને સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. કેટરિંગ એસોસિએશનના સભ્યો અને પ્રતિનિધિઓ સાથે જ્ઞાન અને અનુભવના આદાન-પ્રદાન માટેનું એક ઉત્તમ મંચ પૂરું પાડતાં આ એકસ્પોમાં ખાદ્ય અને પેય ઉદ્યોગો સાથે સંકળાયેલા દેશભરના અંદાજિત 5000થી વધુ મુલાકાતીઓ પ્રત્યક્ષ મુલાકાત લેવાના છે.

આ પ્રસંગે ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ભવાનીસિંહ પુરોહિતે જણાવ્યું કેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિથી આ આયોજન તથા તેમાં ભાગ લેનારા સર્વ સભ્યોના ઉત્સાહમાં અનેકગણો વધારો થયો છે. આ તકે તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ શ્રી મનોજ પુરોહિત સહિત સમગ્ર રાજ્યમાંથી એસોસિએશનના સભ્યો આ એક્સપોના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.