શ્રાદ્ધ શરૂ થતાં લગ્ન સહિત શુભ પ્રસંગોની ખરીદીને બ્રેક લાગતા બજારો સુમસામ

અમદાવાદ, પિતૃતર્પણ કરવા અને ૧૬ દિવસ પિતૃઓને શ્રાદ્ધ નાખીને તૃપ્ત કરવાના શ્રાદ્ધપક્ષની શરૂઆત થતાં જ બજારમાંથી ઘરાકી જાણે કે ગાયબ થઈ ગઈ છે. શ્રાદ્ધમાં લોકો ખરીદી કરવાની કે શુભમુહૂર્ત કે ગૃહ પ્રવેશ કરવાનું ટાળતા હોય છે. જેને પગલે શ્રાદ્ધની શરૂઆતથી બજારમાં મંદી શરૂ થઈ ગઈ છે. પવિત્ર શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે.
જે દિવાળી સુધી ચાલતા હોય છે. આ દિવસોમાં દિવાળી બાદ આવતા લગ્નસરાની ખરીદી શરૂ થઈ જતી હોય છે. જેને પગલે બજારોમાં તેજી જોવા મળતી હોય છે. આ દિવસો દરમિયાન શ્રાદ્ધના ૧૬ દિવસમાં લોકો પિતૃ તર્પણમાં વ્યસ્ત થઈ જતા હોય છે.
આ દિવસોમાં લોકો ખરીદી કરવાનું કે કોઈ શુભ કામ કરવાનું ટાળતા હોય છે. જેને પગલે બજારમાં ખરીદી બંધ થઈ ગઈ છે. હવે લગ્નસરા માટેની ખરીદી પહેલી નવરાત્રિથી શરૂ થશે. અમદાવાદની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પણ દર વર્ષે વેચાણ વધતું હોય છે, પરંતુ શ્રાદ્ધના ૧૬ દિવસ નવી ગાડી કે ટુ વ્હીલરની ખરીદી લગભગ બંધ રહે છે.
રતનપોળમાં પણ પહેલા શ્રાદ્ધથી લોકોની ભીડ ઘટી ગઈ હોવાનું વેપારી મનોજસિંહ રાજપુરોહિત જણાવી રહ્યા છે. જ્યારે સોનાના ભાવ વધવા છતાં સોની બજારમાં જે થોડી ઘણી ખરીદી થતી હતી તે પણ પહેલા શ્રાદ્ધથી જાણે સ્થિગિત થઈ ગઈ હોવાનું સોની બજારના વેપારી નિશાંત સોની જણાવી રહ્યાં છે. આ ઉપરાંત અમદાવાદમાં રિઅલ એસ્ટેટમાં સતત તેજી વધતી રહી છે.
દરરોજ નવી સ્કીમના ભૂમિપૂજન થતા હોય છે અને જે સ્કીમ તૈયાર થઈ ગઈ હોય તેમાં ફર્નિચર બનાવી લોકો ગૃહ પ્રવેશ કરતા હોય છે. આ તમામ શુભ પ્રસંગો આ ૧૬ દિવસ માટે અટકી ગયા છે.બજારમાં મંદી હોવાથી ૧૬ દિવસ અમદાવાદ સહિત દેશભરમાં વેપારીઓ નવરાત્રિ અને દિવાળીની તૈયારીઓમાં લાગી જતા હોય છે.
આ દિવસોમાં નવા કપડાં કે અન્ય એસેસરિઝનો સ્ટોક કરવો કે પછી દુકાનમાં સુધારા વધારા કરવા કે પછી સ્ટાફ વધારવા જેવી કામગીરી પૂર્ણ કરી દેતા હોય છે. એટલે આ ૧૬ દિવસમાં ગ્રાહકોની વાટ જોતા વેપારીઓને પહેલી નવરાત્રિથી જરા પણ ફુરસત મળતી નથી.SS1MS