અમદાવાદ-સુરતમાં બળાત્કારના કેસો વધ્યા

અમદાવાદ, શાંત-સલામત ગુજરાતમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યાં છે જેના કારણે ગુનાખોરી વકરી છે. તેમાં પણ મહિલાઓ અસલામતી અનુભવ કરી રહી છે તેનુ કારણ એ છે કે, માત્ર છ મહિનામાં જ અમદાવાદ અને સુરત જિલ્લામાં બળાત્કાર અને છેડતીના સૌથી વધુ કિસ્સા ૪૨૯ અને છેડતીના ૨૦૦ કિસ્સા નોધાયાં છે.
ચોંકાવનારી વાત તો એ છે કે, ગૃહમંત્રીના વિસ્તારમાં સૌથી વધુ બળાત્કાર-છેડતીના કેસો પોલીસ ચોપડે નોંધાયાં છે.વિધાનસભામાં ખુદ ગૃહવિભાગે માહિતી રજૂ કરી કે, બંને જિલ્લામાં ચોરી, લૂંટ, છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે.
ટૂંકમાં, ગુજરાતમાં ગુનાખોરી પર કાબૂ મેળવામાં ગૃહવિભાગ નાકામ રહ્યુ છે.છેલ્લાં છ મહિનામાં અમદાવાદ શહેર અને જિલ્લામાં બળાત્કારના ૨૦૮ કેસ, જ્યારે છેડતીના ૧૦૮ કેસો નોંધાયા છે. સુરત શહેર અને જિલ્લામાં બળાત્કારના ૨૨૧ જ્યારે છેડતીના ૯૨ કિસ્સા નોંધાયા છે. આ જોતાં બંને શહેર-જિલ્લામાં મહિલાઓ અસલામત બની હોય તેવું ચિત્ર ઊભુ થયું છે.
કોઈપણ ચમરબંધીને નહીં છોડાય તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે બળાત્કાર અને છેડતીના કુલ મળીને ૪૦ આરોપીઓ ફરાર છે જેને પોલીસ હજુ સુધી પકડી શકી નથી.
અમદાવાદ જિલ્લા કરતાં અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ છે. છેલ્લાં છ મહિનામાં અમદાવાદ શહેરમા જ જુગારના ૭૦૦ કેસો, ચોરીના ૧૮૦૩ કેસો, લૂંટના ૪૨ કેસો જ્યારે છેતરપિંડીના ૨૭૬ કેસો નોંધાયા છે. આ પરથી શહેરમાં ગુનાખોરીનું સામ્રાજ્ય વકરી રહ્યું છે તે વાત પ્રસ્થાપિત થઈ છે. આ જ પ્રમાણે સુરત જિલ્લા કરતાં સુરત શહેરમાં ગુનાઓની પ્રમાણ વધુ રહ્યુ છે.
સુરત શહેરમાં જુગારના ૪૧૮, ચોરીના ૭૪૦, લૂંટના ૨૭ કેસો નોંધાયા છે. અમદાવાદ શહેર-જિલ્લામાં બળાત્કારના ૧૭ અને સુરત શહેર-જિલ્લામાં ૧૩ આરોપીઓ હજુ ફરાર છે. આ ઉપરાંત છેડતીના ૧૦ આરોપીઓને પોલીસ હજુ શોધી શકી નથી.
યુવાઓ નશીલા પદાર્થના બંધાણી બન્યાં છે, ત્યારે મેટ્રો સિટીમાં બેરોકટોક નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યુ છે, ત્યારે ગૃહવિભાગના રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર-જિલ્લામાં નશીલા પદાર્થ વેચવાના મુદ્દે ૫૯ કેસો નોંધાયા છે જ્યારે સુરતમાં આ કેસોની સંખ્યા ૯૪ સુધી પહોંચી છે. વધતાં જતા કેસો પરથી એ વાત નક્કી છે કે, ગુજરાતમાં મોટા શહેરોમાં ડ્રગ્સ પેડલરોનું નેટવર્ક ફેલાયેલુ છે.
રાજ્ય ગૃહવિભાગના રિપોર્ટ પરથી ગુજરાતમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત કાયદા વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી તેનો અંદાજ પણ આવી શકે છે.SS1MS