ચોટીલાથી દર્શન કરી પરત આવતા કાર પથ્થર સાથે અથડાઇને તળાવમાં ખાબકીઃ બેનાં મોત

અમદાવાદ, શહેરમાં રહેતા ચાર લોકો ચોટીલા દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને ચારેય અમદાવાદ પરત આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ રાજકોટ હાઇવે પર બાવળા નજીકના રામનગર પાટિયા પાસે પહોંચતી વેળાએ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત થયો હતો.
કાર પથ્થર સાથે અથડાઇને પલટી ખાઇને તળાવમાં ખાબકતા કારમાં આગળ બેઠેલા બે લોકોનાં મોત નિપજ્યા હતા. પાછળની સીટ પર બેઠેલા માતા-પુત્રનો આબાદ બચાવ થયો હતો. આ મામલે બાવળા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ જૂનાગઢ માંગરોળનો ૨૨ વર્ષીય વિરલ નંદાસણિયા ૪ વર્ષથી અમદાવાદમાં સંબંધીના ત્યાં સરખેજમાં રહીને શીલજની કોલેજમાં બીએસસી ન‹સગનો અભ્યાસ કરતો હતો. રવિવારની રજા હોવાથી વિરલ તેમના મિત્ર નિધિશ સોલંકી (ઉ.૨૦ રહે. આર્યન એમ્બીયન્સ, સોલા રોડ), અજય મિસ્ત્રી અને અજયની માતા ગૌરીબેન મિસ્ત્રી સાથે નિધિશ સોલંકીની કારમાં ચોટીલા દર્શન કરવા ગયા હતા.
ચારેય લોકો ચોટીલા ખાતે દર્શન કરીને પરત અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે અજયને ઊંઘ આવતા તેણે લીંબડી પાસેથી નિધિશને કાર ચલાવવા આપી હતી.
બાદ વિરલ અને નિધિશ આગળ બેઠા હતા અને અજય અને તેમની માતા કારમાં પાછળની સીટ પર બેઠા હતા. ચારેય લોકો બાવળા નજીકના રામનગર પાટિયા પાસે પહોંચ્યા ત્યારે અચાનક કાર ઘસડાવાનો અને અથડાવવાનો અવાજ આવતા અજય સફાળા જાગી ગયા હતા. જોયું તો કાર પથ્થર સાથે ભટકાઇને પલટી ખાઇને તળાવમાં ખાબકી હતી. કારની આગળનો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો અને પાછળનો ભાગ પાણીની બહાર હતો.
અજયએ દરવાજો ખોલીને કારમાંથી નીકળવા પ્રયાસ કર્યા હતા પરંતુ લોક હોવાથી દરવાજા ખૂલ્યા નહોતા. વિરલ અને નિધિશના માથા સુધી પાણી કારમાં ભરાઇ ગયા હતા. અજયએ બૂમાબૂમ કરતા રાહદારીઓ દોડી આવ્યા હતા અને તેમને તથા તેમની માતાને ખેંચીને બહાર કાઢ્યા હતા. પરંતુ વિરલ અને નિધિશ નીકળી ન શક્તા ક્રેઇનથી કાર ખેંચીને બહાર કાઢી હતી.
બીજીબાજુ ૧૦૮ પણ સ્થળ પર આવી જતા અર્ધબેભાન અવસ્થામાં નિધિશ અને વિરલને તપાસતા મૃત જાહેર કર્યા હતા. પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત નિપજતા આ મામલે બાવળા પોલીસને જાણ કરાઇ હતી. બાવળા પોલીસે કારચાલક નિધિશ સોલંકી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS