જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૨ અને દેવભૂમિ દ્વારકામાં ૧૩ નવા ચેકડેમ મંજૂર કરાયા

પ્રતિકાત્મક
રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ-જળસંચય થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ -જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ-જળ સંચય થાય તે માટે અનેકવિધ નવા ચેકડેમ,ખેત તલાવડી, વિવિધ નદીઓ પર બેરેજ-વિયર, રિચાર્જ વેલ અને તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૨ તેમજ દેવભૂમિ દ્વારકામાં ૧૩ નવા ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૫૮૬ નવા ચેકડેમ બનાવવામાં આવ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.
મંત્રીશ્રી પટેલે પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, જામનગરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૦૯ ચેકડેમને મંજૂરી મળી છે તેમાંથી ત્રણનું કામ પૂર્ણ કરાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં ૦૬ ચેકડેમની મંજૂરી મળી હતી તેમાંથી ૦૧ ચેકડેમનું કામ પુરું કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, આ બે જિલ્લામાં વિવિધ કેનાલોની ઉંડાઈ ૦૩ થી ૦૬ મીટર છે. આ વિસ્તારમાં કેનાલને જ્યાં પાકી કરવાની જરૂર જણાયે ખેડૂતો દ્વારા જમીન સંપાદનમાં સહકાર અપાશે તો ચોક્કસ પાકી કરવામાં આવશે. હાલમાં આ કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું ચાલું છે.વધુમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ઉંડ-૧ ડેમ સાથે જોડાયેલી ૧૬૭ કિ.મી પાકી તેમજ ૨૭ કિ.મી કાચી કેનાલ કાર્યરત છે તેમ, મંત્રીશ્રી ઉમેર્યું હતું.