ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન અને સેનાને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ વિધાનગૃહમાં સર્વાનુમતે પસાર કરાયો

પોલિટિકલ વિલ અને નેશનલ સિક્યુરિટીની પ્રાયોરીટી હોય તો દેશ વિરુદ્ધની નાપાક હરકતોનો સજ્જડ જવાબ આપી શકાય તે ઓપરેશન સિંદૂરથી પુરવાર થયું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
::મુખ્યમંત્રીશ્રી::
- વડાપ્રધાનશ્રીએ હંમેશા દેશમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે
- ભારતના બદલાયેલા ન્યુ નોર્મલ અભિગમ, અત્યાધુનિક ટેકનોલોજીની સજ્જતા અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો વિશ્વને ઓપરેશન સિંદૂરથી પરિચય મળી ગયો
- ઓપરેશન સિંદૂર વડાપ્રધાનશ્રીની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિનો નિર્ણાયક અને ઐતિહાસિક મોડ
- ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ ઓપરેશન સિંદૂરે કરી છે
- ભારત હવે કોઈ કાંકરીચાળો સાંખી લેશે નહીં એનો સચોટ પુરાવો ઓપરેશન સિંદૂર છે
- 140 કરોડ ભારતવાસીઓ અને વિશ્વના અનેક દેશોએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનશ્રીના નિર્ણાયક નેતૃત્વની પ્રસંશા કરી છે
ભારતીય સેનાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં 7મી મે, 2025ના દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઓપરેશનની સફળતાથી દેશના જન-જનની સુરક્ષા અને રાષ્ટ્ર રક્ષાનો મંત્ર પાર પડ્યો છે.
ઓપરેશન સિંદૂરની આ સફળતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના વિધાનસભા ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.
તેમણે આ પ્રસ્તાવ રજૂ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે 140 કરોડ દેશવાસીઓ અને વિશ્વના અનેક દેશોએ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વની જે પ્રશંસા કરી છે તેમાં ગુજરાત વિધાનસભા પણ પોતાનો સૂર પુરાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી સેનાએ પાર પાડેલું આ ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ ત્રાસવાદ, આતંકવાદ સામેના દાયકાઓના લાંબા સંઘર્ષ અને વડાપ્રધાનશ્રીની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિમાં નિર્ણાયક અને ઐતિહાસિક મોડ છે.
ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે આભાર પ્રસ્તાવની ચર્ચાનો પ્રારંભ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા દેશના નાનામાં નાના માનવીનો ખ્યાલ રાખીને શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અને નવી શિક્ષણ નીતિથી તેમણે શિક્ષણનો કાયાકલ્પ કર્યો છે. ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો માટે વિશ્વની સૌથી મોટી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના શરૂ કરીને સ્વાસ્થ્ય સુરક્ષા આપી છે.
દેશની સુરક્ષા અને જન-જનની રક્ષાને પણ તેમણે એટલી જ અહેમિયત આપીને એ માટે પણ અનેક ઐતિહાસિક અને હિંમતપૂર્વકના પગલાં ભર્યા છે. ઓપરેશન સિંદૂર આવું જ એક ઐતિહાસિક કદમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જો પોલિટીકલ વિલ હોય અને નેશનલ સિક્યુરિટી-રાષ્ટ્રહિત સર્વોપરિની ભાવના હોય તો દેશ વિરુદ્ધની કોઈપણ નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી શકાય તે વડાપ્રધાનશ્રીના નેતૃત્વએ પુરવાર કર્યું છે.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આપણા સુરક્ષા દળોએ ઉરીના આતંકી હુમલા સામે સર્જિકલ સ્ટ્રાઈકની એવી જવાબી કાર્યવાહી કરી કે પાકિસ્તાનની આંખો પહોળી થઈ ગઈ. બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને એરફોર્સે આતંકી તાલીમ કેમ્પ જ નષ્ટ કરી નાખ્યા અને પુલવામાં હુમલાનો વળતો જવાબ આપી દીધો. પાકિસ્તાનને હજી તેની કળ વળી નથી અને ત્યાં જ આપણી સેનાએ ઓપરેશન સિંદૂરથી તો તેમની નાભિ પર જ સીધો પ્રહાર કર્યો છે.
આ ઓપરેશન સિંદૂરથી ભારતના બદલાયેલા ન્યુ નોર્મલ અભિગમ, અતિઆધુનિક ટેકનોલોજીની સજ્જતા અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો વિશ્વને પરિચય મળી ગયો છે. એટલું જ નહિ, આપણી માતા-બહેનોના સિંદૂર ઉજાડનારા આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક પણ આ ઓપરેશન સિંદૂર બન્યું છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સાથે જણાવ્યુ હતું.
ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, આપણી સંસ્કૃતિમાં સિંદૂરના સેંથાનું-સુહાગનનું એક માન ભર્યુ સ્થાન છે. આતંકીઓએ પહેલગામ હુમલામાં માતાઓ-બહેનોના પતિની નિર્મમ હત્યા કરીને સિંદૂર ઉજાડવાનું દુ:સાહસ કર્યુ હતુ.
૨૨મી એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી જે રીતે ગોળી મારી તે કૃરતાની પરાકાષ્ઠા હતી. આપણા જ ભાઈઓની તેમની પત્નીઓની નજર સામે હત્યા કરી દેવામાં આવી. આતંકવાદીઓનો ઈરાદો ફક્ત નિર્દોષ લોકોને મારી નાખવાનો જ ન હતો, પરંતુ દેશને હિંસાની આગમાં ધકેલી દેવાનો અને અરાજકતા ફેલાવવાનો વિચારપૂર્વકનો પ્રયાસ હતો.
પરંતુ, આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આ પ્રયાસને નાકામ બનાવવાનું મન બનાવી લીધું હતું. તેમણે સેનાની ક્ષમતા, હિંમત અને તાકાતમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે સેનાને છૂટો દોર આપ્યો કે આ આતંકવાદી કૃત્ય કરનારાઓને જડ મૂળથી ઉખાડી ફેંકે. ક્યારે, ક્યાં ને કેવી રીતે નિર્ણય લેવા, બહેનોના સિંદૂર ઉજાડનારાઓને જીવનભર યાદ રહે તેવો સબક શિખવવા કઈ રીત અપનાવવી તે બધી સ્વતંત્રતા મોદી સાહેબે સેનાને આપી દીધી હતી. એમ તેમણે ઉમેર્યુ હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, આપણને સૌને સેનાની બહાદુરી પર ગર્વ થાય કે 7મી મેના દિવસે નક્કી કરેલા સમયે સેનાએ કાર્યવાહી કરી અને પાકિસ્તાન અવાચક થઈ ગયુ કાંઈ જ ના કરી શક્યું. બહાદુર જવાનોએ 22 મિનિટમાં જ 22 એપ્રિલનો બદલો નિર્ધારિત લક્ષ્ય સાથે લીધો. આપણી પરાક્રમી સેના, ભારતવાસીઓની રક્ષા માટે સદૈવ સજ્જ છે, તેનો પરચો ઓપરેશન સિંદૂરે આપ્યો છે.
દુશ્મનને ગોળીનો જવાબ ગોળાથી આપવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મક્કમ નિર્ધાર ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ જોઈ લીધો. ભારતની આ પહેલી એવી રણનીતિ હતી જેમાં આપણે એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં આપણે પહેલા ક્યારેય ગયા ન હતા. કલ્પના પણ કરી શકતી નહોતી કે જ્યાં કોઈ જઈ શકે છે. એવા બહાવલપુર અને મુરીદકેને પણ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું. આપણા દળોએ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો તેમ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને નિર્ણાયક શક્તિ તથા ભારતીય સશસ્ત્ર દળોની વ્યૂહરચનાને કારણે લાઈન ઓફ કંટ્રોલ કે ઇન્ટરનેશનલ બોર્ડર પાર કર્યા વિના ભારતીય દળોએ આતંકવાદી માળખા પર હુમલો કરીને તેને ભોંય ભેગા કરી નાખ્યા તે માટે પણ સેના અભિનંદનને પાત્ર છે એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું.
ટેકનોલોજીની સ્વનિર્ભરતા તથા આકાશ જેવી સ્વદેશી પ્રણાલીઓના શાનદાર પ્રદર્શનથી ભારતીય સેનાએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પહેલીવાર દુનિયાએ આત્મનિર્ભર ભારતની શક્તિનું સામર્થ્ય જોયુ. મેડ ઇન ઇન્ડિયા ડ્રોન, મેડ ઇન ઇન્ડિયા મિસાઈલોએ પાકિસ્તાનના શસ્ત્રોને સંપૂર્ણપણે ખુલ્લા પાડ્યા. ભારતના આક્રમક હુમલાઓમાં પાકિસ્તાનના નૂર ખાન અને રહીમયાર ખાન એરબેઝને નિશાન બનાવી સંપૂર્ણ ધ્વસ્ત કરી નખાયા. એટલું જ નહીં, પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને બાયપાસ કરીને જામ કરી દીધી હતી.
તેમણે ઉમેર્યુ કે, દુનિયાએ જોઈ લીધું કે આપણી સેનાની કાર્યવાહીનો અવકાશ કેટલો મોટો છે, સ્કેલ કેટલો મોટો છે. ભારતે સિંદૂરથી સિંધુ સુધી પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પાકિસ્તાન અને તેના માસ્ટર્સને ભારતમાં આતંકવાદી હુમલા માટે ભારે કિંમત ચૂકવવી પડશે એ પણ હવે નિશ્ચિત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સૈન્યની તાકાત તથા રાજનૈતિક કુનેહ અને નૈતિક તાકાતના સમન્વયથી આતંકવાદ સામે એક જૂથ થઈને મેળવેલી સફળતાને બિરદાવી હતી. ત્યારે એમણે કહેલું કે, ઓપરેશન સિંદુર માત્ર એક વિરામ કે આખરી અંત નથી, ફક્ત વ્યૂહાત્મક સફળતાની વાત નથી પરંતુ ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ છે. એ વાતનો મુખ્યમંત્રીશ્રીએ ગૃહ સમક્ષ ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરને આતંકવાદીઓ સામેની લડાઈનો વિજય ગણાવતા ઉમેર્યુ કે, ઓપરેશન સિંદૂર આતંકવાદીઓની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ છે, આતંકવાદીઓ અને તેમના આક્કાઓ, સમર્થકોનો ધર મૂળથી સફાયો કરી નાખવાનો સંકલ્પ છે.
એટલું જ નહિ, ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક નિર્ણય શક્તિનું પ્રતીક પણ છે. ભારત હવે કોઈ આતંકી કાંકરીચાળાને સાંખી લેશે નહિ એનો સચોટ પુરાવો આ ઓપરેશન સિંદૂરથી આતંકીઓને મળી ગયો છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સિંદૂરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નિર્ણાયક ભૂમિકા અને સેનાની ત્રણેય પાંખની બહાદુરીપૂર્ણ કામગીરીની નોંધ લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણી સેનાને ઓપરેશન સિંદૂરની સફળતા માટે અંતઃકરણપૂર્વકના અભિનંદન વિધાનસભા ગૃહ વતી પાઠવ્યા હતા.
આ અભિનંદન પ્રસ્તાવ પર સત્તા પક્ષ અને પ્રતિ પક્ષના સભ્યોએ પણ પોતાના મત વ્યક્ત કર્યા હતા અને અભિનંદન પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.