ગુજરાતના વ્યાપારી સંગઠનોએ ઔદ્યોગિક વિકાસને વેગ આપતા નવા GST સુધારાઓને સમર્થન આપ્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન GST રિફોર્મ્સ માટે રાજ્યના ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળીને આભાર વ્યક્ત કર્યો
Gandhinagar, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. સુધારાઓને ગુજરાતના વ્યાપારી સંગઠનોએ હકારાત્મક પ્રતિસાદ સાથે આવકાર્યા છે.
આ સંદર્ભે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને ભારત સરકારની આ પહેલ અંગે રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓએ ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો
ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માળખામાં કરાયેલા આ નવા સુધારાઓને ઉદ્યોગોના વિકાસ માટે સકારાત્મક અને પ્રેરણાદાયી પગલું ગણાવ્યું હતું. તેમણે નવા GST ફ્રેમવર્કથી રોજિંદા વ્યવસાયિક કાર્યને સરળ બનાવવા તથા લોજિસ્ટિક સુગમતા સાથેના બિઝનેસ ફ્રેન્ડલી માહોલનું નિર્માણ થશે એવી આશા પણ આ તકે વ્યક્ત કરી હતી.
એટલું જ નહિ, આ નવા સુધારાઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉદ્યોગ-ધંધાના વિકાસની ગતિને ઝડપી અને બમણી કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવા આવેલા આ પ્રતિનિધિમંડળમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસ સ્ટેક હોલ્ડર્સ, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત તેમજ અમદાવાદ એન્જિનીયરીંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ જોડાયા હતા.