મુંબઈમાં આચાર્ય શ્રીરણછોડલાલજીની “નાગરી દાન દૈ” – હવેલી સંગીત સભા

જેમાં ગુજરાતી અને કચ્છી ભાષાના મનોહર ઢોળ-પદ તેમજ બ્રજભાષાના દાનલીલાના રસિયા પણ સામેલ રહેશે
મુંબઈ, તારીખ – ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર સાંજે ૬:૩૦ વાગ્યે ઈસ્કોન ઓડિટોરિયમ – જુહુ – મુંબઈ ખાતે આચાર્યશ્રી રણછોડલાલજીની હવેલી સંગીત સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ શ્રીગોપીનાથજી યુથ ઓર્ગેનાઈઝેશનની મુંબઈ શાખા દ્વારા આયોજિત છે।
પુષ્ટિ સંગીતમાં દાનલીલાના પદોને વિશેષ મહત્વ છે। વિવિધ રાગ-રાગિણીઓમાં ગવાતી આ પદાવલીઓ – કીર્તન અથવા હવેલી સંગીત તરીકે ઓળખાય છે॥ દાનના કીર્તન બાદ આ સભામાં કેટલીક વિશેષ લોકપરંપરાના ગીતો રજૂ થશે, જેમાં ગુજરાતી અને કચ્છી ભાષાના મનોહર ઢોળ-પદ તેમજ બ્રજભાષાના દાનલીલાના રસિયા પણ સામેલ રહેશે॥
આ કાર્યક્રમમાં જોડાવા માટે નિઃશુલ્ક પંજીકરણ અનિવાર્ય છે, જે ક્યુ.આર. કોડ દ્વારા ઉપલબ્ધ છે અને ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરાયેલા સંપર્ક સૂત્રથી પણ મેળવી શકાય છે।
ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગોસ્વામી હવેલીના આચાર્ય શ્રીરણછોડલાલજી ખ્યાતનામ ધાર્મિક આચાર્ય હોવા ઉપરાંત વિખ્યાત સંગીતશાસ્ત્રી – વિવેચક અને કુશળ કલાકાર પણ છે॥ મુંબઈના આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહાનુભાવો, સંગીતકારો અને અનેક કૃષ્ણભક્તો હાજરી આપશે॥
ઓર્ગેનાઈઝેશન દ્વારા જણાવાયું કે પૂર્વે “રંગ ડાર્યો નંદલાલ” નામનો કાર્યક્રમ ફાગલીલાના પદો પર આયોજિત થયો હતો, જેને ખૂબ પ્રશંસા મળી હતી। હવે આચાર્યશ્રીની નિશ્રામાં દાનલીલા પર પ્રથમ વખત થનારો આ “નાગરી દાન દૈ” નામનો કાર્યક્રમ ઉત્સાહી શ્રોતાઓમાં રસપ્રદ બની રહ્યો છે