છેલ્લા બે વર્ષમાં સુરતમાં 422 કિમી અને નવસારીમાં 241 કિમી લાંબા ખુલ્લા તારને MVCC કેબલ સાથે બદલાયા

પ્રતિકાત્મક
રાજ્યના ખેતરો સુધી કોઈપણ વિક્ષેપ વિના વીજ પુરવઠો પૂરો પાડવા ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને યુદ્ધના ધોરણે અદ્યતન MVCC કેબલ સાથે રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ
મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ ઉપર ખાસ પ્રકારનું ઇન્સ્યુલેશન કવર હોવાથી, તે ખુલ્લા તાર કરતાં વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર
Gandhinagar, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજ વિક્ષેપને ઘટાડીને ખેતરો સુધી અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને અદ્યતન MVCC એટલે કે, મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ સાથે બદલીને કોટેડ કરવામાં આવી રહ્યા છે. MVCC કેબલ પર ખાસ પ્રકારનું ઇન્સ્યુલેશન કવર હોવાથી, તે ખુલ્લા તાર કરતાં વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર છે.
મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં રૂ. ૩૯.૧૭ કરોડના ખર્ચે કુલ ૪૨૨ કિલોમીટર, નવસારી જિલ્લામાં રૂ. ૨૨.૪૭ કરોડના ખર્ચે કુલ ૨૪૧ કિલોમીટર, પંચમહાલ જિલ્લામાં રૂ. ૯૦૩ લાખના ખર્ચે કુલ ૯૧ કિલોમીટર, છોટાઉદેપુર જિલ્લામાં રૂ. ૮૭૦ લાખના ખર્ચે કુલ ૮૮ કિલોમીટર, નર્મદા જિલ્લામાં રૂ. ૮૧૯ લાખના ખર્ચે કુલ ૮૬ કિલોમીટર લાઇન ઉપરાંત વિવિધ જિલ્લામાં પણ ખુલ્લા વીજ તારને MVCC સાથે રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ વિશેષરૂપે કહ્યું હતું કે, રાજ્યમાં કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં ૭૦ થી ૮૦ ટકાનો સુધારો થયો છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ જેવા વિસ્તારોમાં, જ્યાં વાવાઝોડા અને ખારાશવાળી હવાને કારણે વારંવાર વીજળીના તાર તૂટી પડવાની કે શોર્ટ સર્કિટ થવાની સમસ્યાઓ રહે છે, તેવા વિસ્તારોમાં પણ MVCC કેબલ નાખવામાં આવી રહ્યા છે.
આ કેબલના ઉપયોગથી વીજચોરી, ઉંચા વૃક્ષોની ડાળીઓ અને પક્ષીઓના સંપર્કને કારણે થતા અકસ્માતો અને પાવર આઉટેજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી વીજળી પુરવઠો વધુ સ્થિર અને સલામત બન્યો છે.
આ ટેક્નોલોજી પર્યાવરણને પણ ફાયદો કરાવે છે, કારણ કે તેનાથી વૃક્ષોને વધુ કાપવા પડતા નથી અને પશુ-પક્ષીઓના જીવ બચાવી શકાય છે. તેથી, ગુજરાતમાં વીજળીના માળખાને આધુનિક બનાવવા અને સુરક્ષા વધારવા માટે MVCC કેબલ એક મહત્વપૂર્ણ પગલું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.