Western Times News

Gujarati News

સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત

(એજન્સી)સુરત, સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત થયા હતા. સંતોષ ટેક્સટાઈલ મિલમાં દુર્ઘટનામાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો હતો. સારવાર દરમિયાન ગંભીર ઈજાગ્રસ્ત વધુ બે કામદારના મોત થયા હતા. ડ્રમ વોશર દુર્ઘટનામાં બે કામદાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

ડ્રમ વિભાગના ડ્રમ નં ૬ અને ૧૦ના ઓપરેટર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અનમોલ શાહુ અને ઓપરેટર અલ્પેશ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. બંનેએ પોતાની ફરજમાં બેદરકારી રાખ્યાનો તપાસમાં ખુલાસો થયો હતો. બંને કર્મીઓની બેદરકારીના કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકના પરિવારને મિલના માલિક ૧૫ લાખની આર્થિક સહાય આપશે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલ વધુ બેના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે. બે દિવસમાં ચારના મોતથી આ ઘટનામાં મૃત્યુ આંક ૭ પર પહોંચ્યો છે. મૃતકના પરિવારને મિલના માલિક ૧૫ લાખની આર્થિક સહાય આપશે. હાલ પણ સુરતની ખાનગી હોસ્પિટલમાં બે દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત ૧ સપ્ટેમ્બરના રોજ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ૧૫થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં દાઝી ગયેલા ૧૧ વ્યક્તિઓને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પહેલા એક પ્રિયંકાદેવી (ઉ.વ.૩૬)નું સારવાર દરમિયાન મોત થયું હતું.

જ્યારે ગતરોજ ગંભીર રીતે દાઝેલા ૩૫ વર્ષીય જોગેન્દ્ર મુનિલાલ પ્રજાપતિ અને ૨૮ વર્ષીય પ્રીતિ નાગેન્દ્ર સિંહનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આજે વધુ બે ૩૯ વર્ષીય સુષ્મા ગણેશ મિશ્રા અને ૨૪ વર્ષીય મુન્ના વિશ્વનાથ દાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો છે.

મિલના સંચાલકો દ્વારા મૃતકોના પરિવારને ૫૦ હજાર રોકડ આપવામાં આવ્યા છે અને બાકીના ૪ લાખનો ચેક આપશે. આ ઉપરાંત ૧૦ લાખ આપવામાં આવશે અને ઈન્સ્યોરન્સના પણ પૈસા આપવાની ખાતરી આપી છે અને મૃતકના બાળકના અભ્યાસનો ખર્ચ પણ આપવા જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.