સાંતલપુરમાં નદીમાં નહાવા ગયેલા ૧૨ યુવકો ડૂબ્યા: બેના મોત- ૩ લાપતા

પ્રતિકાત્મક
૬ યુવકોનો આબાદ બચાવ, એસડીઆરએફની ટીમે અન્ય ૪ની શોધખોળ હાથ ધરી
(એજન્સી) પાટણ, પાટણ નજીક બે અલગ અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ ૧૨ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં ૯ યુવકો ડૂબ્યા હતા. જેમાંથી ૪નો આબાદ બચાવ થયો છે. જ્યારે બે યુવકોના મોત થયા છે. તેમજ ૩ યુવકો લાપતા છે. આ ઉપરાંત રણમલપુરા ગામ પાસેની નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી બેનો બચાવ થયો છે. જ્યારે એક લાપતા છે.
નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા યુવકો ડૂબ્યા આ અંગે મળતી માહિતી મુજબ આજે બપોરે યુવકો ખારી નદીમાં નહાવા માટે ગયા હતા. તે દરમિયાન નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા નવ યુવકો તણાઈ ગયા હતા. જે બાદ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોની મદદથી પાંચ યુવકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી તેનો મૃતદેહ વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે હાજર જ્યારે ગુમ થયેલા યુવકોની શોધખોળ માટે એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે. એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન એક યુવકની લાશ મળી આવી છે. જેથી હાલ ૩ યુવકો લાપતા છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે હાજર છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છે.એસડીઆરએફની ૨૬ લોકોની ટીમ દ્વારા શોધખોળ શરૂ વારાહીના મામલતદાર દિનેશ પંડયાએ જણાવ્યું હતું કે, કુલ ૯ યુવકો હતા. સ્થાનિકોએ ૫ને બહાર કાઢ્યા છે અને ૪ લાપતા છે. જેઓને એસડીઆરએફની ૨૬ લોકોની ટીમ શોધખોળ કરી રહી છે. જ્યારે એક યુવાન વધુ પાણી પી જતા ૧૦૮ મારફતે તેને સારવાર માટે ખેસડવામાં આવ્યો હતો, જોકે, સારવાર દરમયાન તેનું મોત થયું છે.
સાંતલપુરના રણમલપુરા ગામ પાસે ૩ યુવાનો ડૂબ્યા બીજી તરફ સાંતલપુરના રણમલપુરા ગામ પાસેથી પસાર થતી નદીમાં નહાવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાં રાજુસરા ગામના સ્થાનિક તરવૈયાઓની મદદથી બે યુવકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે એક યુવાનની શોધખોળ ચાલુ છે.