Western Times News

Gujarati News

ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ કાલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓનું આંદોલન

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરની એક જુની, પ્રતિષ્ઠિત અને જાણીતી શૈક્ષણિક સંસ્થા શેઠ પી.ટી. આર્ટસ અને સાયન્સ કાલેજમાં આજે વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. ખાસ કરીને કાલેજમાં બહેનો માટે જરૂરી શૌચાલય સુવિધા ઉપલબ્ધ ન હોવાના મુદ્દે લાંબા સમયથી વિદ્યાર્થીઓમાં અસંતોષ હતો.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અનેક વખત તેમણે કાલેજ સંચાલનને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. ઘણીવાર ટ્રસ્ટી તેમજ સંચાલકો સુધી અવાજ પહોંચાડવા છતાં હજી સુધી કોઈ અસરકારક પગલું લેવામાં આવ્યું નથી. આથી વિદ્યાર્થીઓએ આજે કાલેજ કેમ્પસમાં ભેગા થઈ ધરણાં શરૂ કર્યા હતા.

આંદોલન દરમ્યાન પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. વિદ્યાર્થીઓ સીધા જ આચાર્યની આૅફિસ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં રામધુન બોલાવી પોતાની માંગણીઓ પ્રગટ કરી હતી. રામધુન બોલાવવાથી સમગ્ર કેમ્પસમાં માહોલ ગુંજી ઉઠ્‌યો હતો. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેઓ હવે માત્ર આશ્વાસનોથી સંતોષ પામશે નહીં, પરંતુ હકીકતમાં સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે લડત ચાલુ રાખશે.

આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ ટ્રસ્ટીને હાજર રહીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. પરંતુ ટ્રસ્ટી હાજર ન આવતા વિદ્યાર્થીઓ વધુ આક્રોશિત બન્યા હતા અને વિરોધ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો.

કાલેજ સંચાલન સામે વિદ્યાર્થીઓના આંદોલનને કારણે સમગ્ર કેમ્પસમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને બહેનો માટેની સુવિધાઓના અભાવને કારણે આ મુદ્દો વધુ ગંભીર બની ગયો હતો. આજના આંદોલનથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે હવે વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી બેદરકારી સહન કરશે નહીં.

સ્થાનિક સમાજમાં પણ આ ઘટનાને લઈને ચર્ચા થઈ રહી છે. ઘણા વાલીઓ અને સમાજના આગેવાનોનું માનવું છે કે આ પ્રકારની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી કાલેજ સંચાલનની પ્રથમ જવાબદારી છે. વિદ્યાર્થીઓને ભણવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું એ સંસ્થાની ફરજ છે, પરંતુ જો વિદ્યાર્થીઓ જ આંદોલન કરવા મજબૂર થાય તો તે ગંભીર બાબત છે.

કાલેજમાં થયેલા આંદોલન બાદ સંચાલન કઈ કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો વિદ્યાર્થીઓનો વિરોધ વધુ તીવ્ર બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.