જાસૂસી કાંડ સહિત ૪૬ ગુનાના આરોપી ભરૂચના બોબડાના ઘર પર બુલડોઝર ફર્યું

ભરૂચ, ભરૂચમાં ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહીમાં નામચીન બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડોનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું હતું. ગુંડા એક્ટ હેઠળ ભરૂચ પોલીસ અને બૌડા દ્વારા કાર્યાવાહી કરવામાં આવી હતી.
કુખ્યાત બુટલેગરનું ગેટકાયદે બાંધકામ તોડી પડાતાં સ્થાનિક ગુનેગારોમાં સોંપો પડી ગયો હતો. ભરૂચના કુખ્યાત બુટલેગર નયન બોબડો સામે ગુજરાત જાસૂસી કાંડ સહિત ૪૬ ગુના નોંધાયેલા છે.
ભરૂચમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝાડેશ્વર વિસ્તારમાં રવિ પૂજન સોસાયટીમાં રહેતા ગુજરાત અને ભરૂચ જિલ્લાના નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસ સ્થાન ઉપર પોલીસ સાથે બૌડા વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નયન કાયસ્થ સામે ગુંડા એક્ટ-૨૦૨૫ મુજબ પગલાં લેવામાં આવ્યા છે.
તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદે બાંધકામ કરાયું હોવાની મળેલી ફરિયાદોના આધારે તંત્ર હરકતમાં આવ્યું હતું. બૌડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાનો ઉપયોગ કરીને ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતુ.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદે બાંધકામો સામે ભવિષ્યમાં પણ કડક અને નિરંકુશ કાર્યવાહી કરવામાં આવશે.SS1MS