સુરતમાં સહકર્મીની હત્યા કરનાર કારીગરને આજીવન કેદની સજા

સુરત, સુરત શહેરમાં આવેલા પુણા વિસ્તારમાં ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એમ્બ્રોઈડરી યુનિટમાં સાથી કામદારની હત્યા કરનારને સુરતની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
સામાન્ય બાબતે કારીગર ઉપર એમ્બ્રોઈડરી મશીનના સ્ટેન્ડના ટેકા વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. કોર્ટે આજીવન કેદની સજા ઉપરાંત રૂ.૧૫ હજારનો દંડ પણ ફટકાર્યાે હતો.
રામકુમાર મણીરામ શર્મા ડિંડોલીમાં સી.આર. પાટીલરોડ ઉપર શિવાજીનગરમાં તેમના મોટાભાઈ સાહબલાલ શર્મા સાથે રહેતો હતો. રામકુમાર પુણા ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ખાતામાં એમ્બ્રોઈડરી મશીન ચલાવવાનુ કામ કરતો હતો. ગત.તા.૧૩-૧૨—૨૦૨૦ના રોજ રામકુમાર રાતપાળીમાં કામ પર ગયો હતો.
દરમિયાન સહ કારીગર ધર્મેન્દ્ર ત્રિભુવન પ્રસાદ( ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીય એસ્ટેટ, ડીઆર વર્લ્ડ પાછળ, પુણા, મૂળ ધમવલગામ, ભોજપુર, બોહરનપુર, બિહાર) સાથે રામકુમારનો બે દિવસ પહેલાં સામાન્ય મુદ્દે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી ધર્મેન્દ્રએ એમ્બ્રોઈડરી મશીનના સ્ટેન્ડના ટેકા વડે રામકુમારના માથા ઉપર ઘા માર્યા હતા.
જીવલેણ હુમલો કરી ધર્મેન્દ્ર ભાગવા જતા રધુવીર ટેક્સટાઈલ માર્કેટના વોચમેન અશોકભાઈએ તેને પકડવાની કોશિષ કરી હતી. ધર્મેન્દ્રએ વોચમેન અશોકભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો. અશોકભાઈને ગંભીર ઈજા પહોંચી અને રામકુમારનુ મોત નિપજ્યું હતું.આ કેસની સુરત કોર્ટમાં ચાલી હતી, તેમાં સરકાર તરફે એપીપી રાજેશ ડોબરીયાએ દલીલો કરી હતી.
કોર્ટે હત્યા અને હત્યાની કોશિષના ગુનામાં આરોપી ધર્મેન્દ્રને કસુરવાર ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજા અને રૂ.૧૫ હજારનો દંડ ફટકાર્યાે હતો.SS1MS