‘અંગદાનથી જીવનદાન’ના સંદેશ સાથે અંગદાનને જનઆંદોલન બનાવવા પ્રેરણા અપાઈ
 
        અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવા તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલે એક પરિવારની માફક અંગદાન ક્ષેત્રે કાર્ય કરી સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશન ક્ષેત્રમાં નામના મેળવી છે: ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા
બ્રેઈનડેડના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય તેમજ અંગદાન પ્રવૃત્તિ જનઆંદોલન બને તે અતિ આવશ્યક: ધારાસભ્ય સંગીતાબેન પાટીલ
અમદાવાદ:મંગળવાર: અમદાવાદ સિવિલ હોસ્પિટલ થકી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ૨૧૨ બ્રેઈનડેડ લોકોના અંગદાનથી ૭૦૦ થી વધુ લોકોને જીવદાન મળ્યું છે ત્યારે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના હેતુ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અસ્મિતા ભવન હોલમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘અંગદાનથી જીવનદાન’ના સંદેશ સાથે તબીબો,
નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યા હતા. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોષી, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, નગરસેવકો, વોર્ડના પ્રમુખો, સિવિલ હોસ્પિટલ, યુ.એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, આઈ.કે.ડી. કિડની હોસ્પિટલ, કિડની ઇન્સ્ટિટ્યુટના ૩૫૦ થી વધુ નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ, વિદ્યાર્થીઓએ અંગદાનના શપથ ગ્રહણ કર્યા હતા અને અંગદાનને જનઆંદોલન બનાવવા પ્રેરણા મેળવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે એક પરિવારની માફક અંગદાન ક્ષેત્રે કાર્ય કરી સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશન ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમણે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ અને તબીબોની સેવાઓને બિરદાવી હતી.
પોતાના વિધાનસભા વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અનેક આરોગ્ય સુવિધા અને સંસાધનોથી સજ્જ છે, ત્યારે દર્દીઓ અને સિવિલ હોસ્પિટલના પ્રશાસન સાથે કોઈપણ જરૂરિયાત અને સેવાકાર્ય માટે તત્પર હોવાનું જણાવી અંગદાનના કિસ્સામાં જાતે બ્રેઈનડેડ વ્યક્તિના પરિજનોના કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલમાં આવતા હોવાનું ગર્વ સાથે જણાવ્યું હતું.
લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, અંગદાન સૌથી મહાન દાન છે. અમદાવાદ સિવિલમાં અંગદાન પ્રવૃત્તિઓને બિરદાવી સુરત સિવિલ હોસ્પિટલમાં ૭૭ બ્રેઈનડેડ લોકોના અંગદાનથી ૨૦૦ થી વધુ લોકોને નવજીવન મળ્યું હોવાનું જણાવી દર વર્ષે અચૂકપણે પોતાનો જન્મદિવસ પણ સુરતની નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓની સાથે સેવાકીય પ્રવૃત્તિ તેમજ રક્તદાન કેમ્પો યોજીને ઉજવણી કરતા હોવાનું જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે,વડાપ્રધાનશ્રીના ટીબીમુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં અમે પ્રયાસરત છીએ. ટીબીના દર્દીઓને પ્રોટીન રિચ ખોરાકની જરૂરિયાતને ધ્યાને લઈ પોષણ કિટસ વિતરણ કરીએ છીએ. અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફ, સમગ્ર ગુજરાતના અંગદાન ક્ષેત્રે કામ કરતા તબીબો, નર્સિંગ સ્ટાફ, સહકર્મીઓને અંગદાનના સેવાકાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ અભિનંદન આપ્યા હતા. જેને અંગોની જરૂર છે તેઓને બ્રેઈનડેડના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય તે જરૂરી છે એટલે જ અંગદાન પ્રવૃત્તિ જનઆંદોલન બને તે આવશ્યક છે એમ ભારપૂર્વક કહ્યું હતું.
ગુજરાત સહિત ત્રણ રાજ્યથી સારવાર લેવા આવતા દર્દીનારાયણની સેવામાં સમર્પિત અમદાવાદ સિવિલ હોસ્પિટલે અનેક ઓપરેશનો, જટિલ સારવાર, દર્દીઓની મહત્તમ સેવાસારવારના કારણે ગુજરાતમાં આગવી ઓળખ બનાવી હોવાનું શ્રીમતી પાટિલે જણાવ્યું હતું. અને ગુજરાતની દરેક હોસ્પિટલો અને કોલેજોએ અંગદાનની પ્રવૃત્તિમાં જોડાવા આહ્વાન કર્યું હતું.
મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલની સેવા અને અંગદાન પ્રવૃત્તિની માહિતી આપી હતી. આ વેળાએ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ અંગદાન મહાદાન અભિયાનના પ્રતિનિધિ તરીકે પ્રણવભાઈ મોદીનું પણ બહુમાન કરાયું હતું. અંગદાનના જાગૃત્તિસૂત્રો પ્રિન્ટ કરેલી છત્રીઓ પ્રદર્શિત કરી અંગદાન અંગે ઉપસ્થિત સૌને જાગૃત્ત કરાયા હતા.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભીએ ઉપસ્થિત સૌને અચૂક અંગદાનના શપથ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સ્વાગત પ્રવચન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કર્યું હતું.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભી, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાખરીયા, નવનિયુક્ત નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ રોમાંચ ઉપાધ્યાય સહિત નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટસ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, નગરસેવકો, નર્સિંગ યુનિયનના પ્રમુખ દેવીબેન દાફડા, નર્સિંગ એસો. શૈલેષ નાઈ, હેમદીપ પટેલ, ધિરેન દાફડા, નર્સિંગ કોલેજના આચાર્ય હિરલબેન શાહ સહિત મોટી સંખ્યામાં સ્ટાફ નર્સ, હેડ નર્સ, નર્સિંગ કોલેજના ફેકલ્ટી. યુ.એન. મહેતા હોસ્પિટલ અને કિડની હોસ્પિટલના સ્ટાફગણ, નર્સિંગ એસો.ની ટીમ ઉપસ્થિત રહી હતી.

 
                 
                