મિલકત વેચતા પુત્રે માતા પર પાઇપ વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખી

અમદાવાદ, મિલકત વેચતા ઉશ્કેરાયેલા પુત્રએ માતા પર પાઇપ વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી જેથી માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આ મામલે માતાએ મેઘાણીનગર પોલીસ મથકમાં પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૨ વર્ષિય જમનાબહેન ભૂપેન્દ્રભાઇ પટણી પરિવાર સાથે રહે છે.
જમનાબહેનનો મોટો દીકરો વિજય તેની પત્ની કાજલ અને બાળકો સાથે પંજાબ સોસાયટીમાં રહે છે. વિજય અને કાજલ અવાર નવાર મિલકત બાબતે જમનાબહેન સાથે માથાકૂટ કરતા હતા.
અગાઉ પણ મારામારી થતા બન્ને સામે પોલીસ મથકમાં જમનાબહેને અરજી પણ આપી હતી. ચાર દિવસ પહેલાં જમનાબહેને એક દુકાન વેચી ત્યારે ૮ સપ્ટે.ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ જમનાબહેન એ દુકાન પર ગયા હતા અને પોતાનો સામાન લઇ રહ્યા હતા ત્યારે મોટો દીકરો વિજય ત્યાં રિક્ષા લઇને આવ્યો હતો અને માતાને કહેવા લાગ્યો હતો કે, તે કોને પૂછીને આ દુકાન વેચી છે.
જેથી માતાએ કહ્યું કે, દુકાન મારી મિલકત છે અને તે મને આજદીન સુધી કોઇ દવા કે ખાવાપીવાનું પૂછ્યું નથી, મારી ખબર અંતર સુદ્ધાં પૂછવા આવ્યો નથી. અત્યારે તુ મિલકતના પૈસા અને ભાગે લેવા આવે છે, અત્યાર સુધી નાનો દીકરો રવિન્દ્ર મારું ભરણપોષણ કરે છે. તે મારા માટે શું કર્યું છે? આટલું કહેતા વિજય ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી મારામારી કરવા લાગ્યો હતો.
દરમિયાન રિક્ષામાંથી પાઇપ લાવીને માતાને માથા પર મારી દીધી હતી. જેથી માતા લોહીલુહાણ થઇ ગઇ હતી. આ દરમિયાન બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી ગયા હતા. જેથી તકનો લાભ લઇ વિજય ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
બીજી તરફ લોહીલુહાણ હાલતમાં તેમને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ લઇ જવા આવ્યા હતા. જ્યાં તેમને આંખના ભાગે ઇજા થતા ટાંકા લેવામાં આવ્યા હતા. આ મામલે માતાએ પુત્ર વિજય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.SS1MS