સેવન્થ ડે સ્કૂલમાં ઘટનાના ૩ સપ્તાહ બાદ પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું નથી

અમદાવાદ, મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ત્રણ સપ્તાહ પછી પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું નથી. સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ક્યારથી શરૂ થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.
આમ, વિદ્યાર્થીઓને હજુ કેટલાક દિવસ ઓનલાઈન શિક્ષણ મેળવવું પડે તેમ છે. હત્યાની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ સ્કૂલ પર તૈનાત કરવામાં આવી હતી. જેમની સમક્ષ અનેક વાલીઓ દ્વારા પ્રવેશ રદ કરવવા માટે અરજી કરી હતી.
અધિકારીઓના કહેવા પ્રમાણે સ્કૂલમાંથી અંદાજે ૫૦૦ જેટલા પ્રવેશ રદ થવાની શક્યતા છે. સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
ઘટનાના પગલે મોટી સંખ્યામા લોકો સ્કૂલ કેમ્પસ પર ધસી આવ્યાં હતાં. સ્કૂલમાં ભારે તોડફોડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. મામલો વધુ ગંભીર બનતાં કેમ્પસમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલીક સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાવી દીધું હતું અને ૨૫ ઓગસ્ટથી ધો.૬થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવ્યું હતું. હાલમાં પણ આ ધોરણમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલી રહ્યું છે.
ઘટના બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચાર અધિકારીઓને સ્કૂલ પર મૂક્યા હતા. આ ટીમ પાસે પ્રવેશ રદ કરાવવા માટે વાલીઓની ઈન્કવાયરી શરૂ થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં ૨૫૦ વિદ્યાર્થીઓની એલસી માટેની અરજીઓ મળી છે અને અનેક ઈન્કવાયરી પણ આવી છે. જેને જોતા અધિકારીના મત અનુસાર, સ્કૂલમાંથી ૫૦૦ કરતા વધુ પ્રવેશ રદ થાય તેવી શક્યતા જણાય છે.
આ તમામ વચ્ચે હાલમાં પણ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલી રહ્યું છે. ઓફલાઈન શિક્ષણને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ, હજુ પણ વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ શિક્ષણ માટે રાહ જોવી પડે તેમ લાગી રહ્યું છે.SS1MS