નડિયાદના દાંડી માર્ગના સમારકામ પાછળ 16.75 કરોડ ખર્ચાયા પણ રસ્તો તૂટવા લાગ્યો

નડિયાદમાં દાંડી માર્ગની બિસ્માર હાલત- શહેર કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ
(પ્રતિનિધિ) નડિયાદ, ચોમાસાની શરૂઆત થતા જ નડિયાદ માંથી પસાર થતાં ડભાણથી ભૂમેલ તરફ જતા દાંડી માર્ગની દયનીય હાલત સામે આવી હતી.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિએ રોડ પર વિરોધ પ્રદર્શન યોજી તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
નડિયાદના ડભાણથી ભૂમેલ તરફ જતા દાંડી માર્ગનું સમારકામ જાન્યુઆરી ૨૦૧૯માં રૂ. ૧૬.૭૫ કરોડના બજેટથી મંજૂર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આક્ષેપ મુજબ, તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં થોડા જ મહિનાઓમાં રસ્તો તૂટી ગયો હતો.
જે બાદ અનેક વખત રસ્તાઓ પર ડામર કામ કરવામાં આવ્યું હતું. હાલમાં તાજેતરમાં જ ચોમાસાની શરૂઆત સમયે ઉત્તરસંડા રોડ તરફનો એક ભાગ તૂટી જતા ત્યાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસનો દાવો છે કે માત્ર ૫૦ દિવસમાં જ આ રસ્તો પણ તૂટવા લાગ્યો છે.
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આ મામલે જણાવ્યું હતું કે, આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ જો પ્રજાને તેનો લાભ ન મળતો હોય તો તે ચિંતાજનક છે. કોન્ટ્રાક્ટ ૨૦૨૫ સુધીનો હોવા છતાં રસ્તાની આવી ખરાબ હાલત કેમ છે તે સવાલ ઉભો થાય છે.
આ ૯ કિલોમીટર લાંબા દાંડી માર્ગ પર ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે, જેના કારણે દર ચોમાસે લોકો હેરાન થાય છે. આ મામલે નડિયાદ શહેર કોંગ્રેસે પ્લેકાર્ડ સાથે રોડ પર વિરોધ દર્શાવી નબળી ગુણવત્તાના કામ સામે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે.