Western Times News

Gujarati News

ઓક્ટોબરથી દેશભરમાં SIR હાથ ધરવાની ચૂંટણી પંચની તૈયારીઃ રિપોર્ટ

નવી દિલ્હી, ભારતીય ચૂંટણી પંચે (ઈસીઆઈ) બિહારના તર્જ પર દેશભરમાં મતદાર યાદી સઘન ફેરતપાસ પ્રક્રિયા હાથ ધરવાની તૈયારી આરંભી છે.

એક રિપોર્ટ મુજબ ઓક્ટોબરથી ઈસી દેશવ્યાપી ઝૂંબેશ શરૂ કરશે. બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (સીઈઓ)ની એક બેઠકમાં મળી હતી જેમાં આ અંગેના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી અને તેને મંજૂરી પણ આપવામાં આવી હોવાનું રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે.

તાજેતરમાં જ ભારતીય ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદી વિશેષ સઘન ફેરતપાસ (એસઆઈઆર) કવાયત કરી હતી. ચાલુ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

ઈસી દ્વારા જો બુધવારે લેવાયેલા નિર્ણયનો અમલ કરવામાં આવે છે તો સમગ્ર દેશમાં મતદાર યાદી વિશેષ સઘન ફેરતપાસ પ્રક્રિયા હાથ ધરાશે. સૂત્રોના મતે બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થાય તે અગાઉ દેશવ્યાપી એસઆઈઆરની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.

બેઠકમાં સીઈઓને આ માટે કેટલી ઝડપથી તૈયારીઓ થઈ શકે છે તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બરના અંત સુધીમાં ગ્રાઉન્ડવર્ક પૂરું થઈ શકે છે અને ઓક્ટોબરથી પ્રક્રિયાનો પ્રારંભ કરવો શક્ય છે.

આ વર્કશોપમાં એસઆઈઆર માટે લોજિસ્ટિક્સ તૈયારી અંગે સાડા ત્રણ કલાકનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. પંચે આ સાથે જ તમામ સીઈઓને મતદાર ઓળખ માટેના દસ્તાવેજોની યાદી તૈયાર કરવા પણ નિર્દેશ આપ્યો છે.

દરેક રાજ્યોમાં ઉપલબ્ધ સ્થાનક સર્ટિફિકેટ્‌સને આધારે દસ્તાવેજોની યાદી તૈયાર થઈ શકે છે. પૂર્વાેત્તર અને કાંઠાના પ્રદેશોમાં રહેતી મોટાભાગની આદિવાસી વસતી ઓળખ અને રહેઠાણના અનન્ય દસ્તાવેજો પર નિર્ભર રહે છે. ૨૦૨૬માં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આ કવાયત શરૂ થઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.