વોટચોરીના વિરોધ પછી પણ ચૂંટણી પંચ તાનાશાહી કરી રહ્યું છે: રાહુલ

નવી દિલ્હી, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બે દિવસની રાયબરેલીની યાત્રાએ પહોંચ્યા છે. લોકસભા ચૂંટણી જીત્યા પછી રાહુલ ગાંધીની રાયબરેલીની આ છઠ્ઠી યાત્રા છે. અહીં એક સંમેલનને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલા લોકો કહેતા હતા કે દાળમાં કઇક કાળું છે, પરંતુ કોઈની પાસે પુરાવા ન હતા. હવે પુરાવા છે.
વોટચોરી થઈ રહી છે, તેને રોકવી પડશે. વિરોધ પછી પણ ચૂંટણી પંચ તાનાશાહી કરી રહ્યું છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીએ એક સંમેલનને સંબોધિત કરતી વખતે ભાજપ અને આરએસએસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં ૯૦ ટકા વસ્તી ઓબીસી, દલિત અને આદિવાસીઓની છે, પરંતુ આ ભાજપ-આરએસએસના લોકો નથી ઈચ્છતા કે આ સમુદાયો ક્યારેય આગળ વધે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન ખુદ ઓબીસી છે, પરંતુ જાતિ આધારીત વસ્તી ગણતરી પર કશુંય બોલતા નથી.
મેં સંસદમાં તેના પર પ્રશ્ન કર્યાે તો વડાપ્રધાન દોઢ કલાક સુધી ભાષણ આપતા રહ્યા, પરંતુ જાતિ આધારીત વસ્તી ગણતરી પર એક શબ્દ પણ બોલ્યા નહીં.આ પહેલા દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ લઈને લખનઉ પહોંચ્યા અને ત્યાંથી રોડ માર્ગે રાયબરેલી પહોંચ્યા.
રસ્તામાં રાહુલ ગાંધીના કાફલાને વિરોધનો સામનો કરવો પડ્યો. વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દોના મામલાને લઈને યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ પોતાના સમર્થકોની સાથે રાહુલ ગાંધીના કાફલાના રસ્તામાં આવીને બેસી ગયા, અને ‘રાહુલ પરત જાઓ’ના નારા પણ લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે રાહુલ ગાંધીના કાફલાને લગભગ એક કિલોમીટર પહેલા જ રોકી દેવામાં આવ્યો હતો.SS1MS