રાષ્ટ્રપતિએ ૧૯૭૦થી અત્યાર સુધીમાં ૯૦ ટકા બિલનો એક મહિનામાં નિકાલ કર્યોઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ૧૯૭૦ના વર્ષથી અત્યાર સુધીમાં રાજ્ય વિધાનસભાએ મંજૂર કરેલા બિલમાંથી ૯૦ ટકા બિલ પર રાજ્યપાલ દ્વારા માત્ર એક મહિનામાં નિર્ણય લેવાયો છે.
૧૭,૧૫૦ બિલમાંથી માત્ર ૨૦ જ કિસ્સામાં રાજ્યપાલે બિલ અટકાવ્યા છે. ધારાસભાએ પસાર કરેલા બિલને મંજૂરી બાબતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પર સમયમર્યાદા લાગુ કરવા અંગેના કેસની સુનાવણી ચીફ જસ્ટિસ બી આર ગવાઈની અધ્યક્ષતામાં પાંચ જજની બેન્ચ દ્વારા હાથ ધરાઈ હતી.
સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કરેલી રજૂઆતનો અરજદારના સિનિયર એડવોકેટ્સ કપિલ સિબલ અને અભિષેક સિંઘવી દ્વારા વિરોધ કરાયો હતો.
તેમણે દલીલ કરી હતી કે, અરજદારોને આ પ્રકારનો ડેટા રજૂ કરતા અટકાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ દલીલ ગ્રાહ્ય રાખતાં નોંધ્યુ હતું કે, અરજદારોને ડેટા રજૂ કરતા રોકવામાં આવ્યા હતા ત્યારે સરકાર આવા ડેટા રજૂ કરે તે યોગ્ય નથી.
અરજદારો ડેટા રજૂ કરવા માગતા હતા ત્યારે સરકારે વાંધો ઊઠાવ્યો હતો. તેથી સુપ્રીમ કોર્ટ માત્ર બંધારણીય પાસાને જ ધ્યાને રાખીને સુનાવણી હાથ ધરાશે. નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ સંદર્ભે ચીફ જસ્ટિસ બી.આર. ગવાઈએ અને જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું હતું કે, પડોશી રાષ્ટ્રોમાં શું બની રહ્યું છે તે જુઓ, અમને બંધારણ પર ગર્વ છે.
ગવાઈએ નેપાળમાં ભ્રષ્ટાચારના વિરોધમાં ઉગ્ર દેખાવો અને હિંસાની વાત કરી હતી. જસ્ટિસ વિક્રમ નાથે બાંગ્લાદેશનું ઉદારણ આપી કહ્યું હતું કે, હિંસાના પગલે વડાપ્રધાનને દેશ છોડવાની ફરજ પડી હતી. બે પડોશી રાષ્ટ્રોમાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસક બન્યા છે.SS1MS