પૂર્વ પ્રેમિકા અને તેના પતિના ત્રાસ તથા ધમકીથી કંટાળીને યુવકે મોતને વ્હાલું કર્યું

અમદાવાદ, ઘરેથી નીકળી ગયેલો યુવક બાવળાની એક હોટલમાં રોકાયો હતો અને તેના પરિવારજનો શોધવા આવતા તેણે હાથમાં બ્લેડના ઘા મારીને કોમ્પલેક્સના ધાબા પરથી ઝંપલાવીને આપઘાત કર્યાે હતો.
આશરે એકાદ માસ પહેલા આ બનાવને લઇને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જે બાદ તપાસ દરમિયાન મૃતક હોટલમાં જે રૂમમાં રોકાયો હતો ત્યાંથી કેટલાક અખબાર મળ્યા હતા. જેના પર તેની પૂર્વ પ્રેમિકા અને તેના પતિએ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યાે હતો. પ્રેમિકાના પતિએ ઉછીના લાખો રૂપિયા લઇને ન ચૂકવીને બંને લોકોએ મરી જવા મજબૂર કર્યાે હોવાનો ઉલ્લેખ કર્યાે હતો.
જેથી આ મામલે બાવળા પોલીસે મૃતકની પૂર્વ પ્રેમિકા અને તેના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખંભાતના વચલાપુરા ખાતે ૨૭ વર્ષીય નરેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ સિંધા પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો.
તા.૭ ઓગસ્ટે નરેન્દ્રસિંહ બજારમાં ખરીદી કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ ખંભાત રૂરલ પોલીસને ગુમ થવા બાબતે જાણ કરી હતી. આ દરમિયાનમાં તેના ઇન્સ્ટાગ્રામમાંથી એક પોસ્ટ મળી હતી. તેણે ક્રિષ્ના નામની પૂર્વ પ્રેમિકા સાથેના ૧૨ ફોટો અપલોડ કર્યા હતા. પોસ્ટમાં નરેન્દ્રસિંહે એકલાનો ફોટો મૂકીને આ છેલ્લી પોસ્ટ છે તેવું લખ્યું હતું.
જેથી નરેન્દ્રસિંહ કંઇ કરી દેશે તેવી બીકથી પરિવારજનો તેને અંકલેશ્વર ખાતે શોધવા નીકળ્યા હતા. તેના વોટ્સએપ સ્ટેટસમાં જિંદગીની પથારી ફેરવી નાખી આ ક્રિષ્નાએ, હું જાતે આ પોસ્ટને મૂકું છું, હવે ગોતવાની કોશિષ ના કરતા – તેવું લખીને પરિવારજનોના ફોટો અપલોડ કર્યા હતા.
નરેન્દ્રસિંહનો ફોન ચાલુ થતાં પોલીસે લોકેશન કઢાવતા તે બાવળા હોવાનું સામે આવ્યું હતું. તેના પરિવારજનો લોકેશન આધારે આશ્રિત હોટલવાળા કોમ્પલેક્સ ખાતે પહોંચ્યા હતા. પરિવારને જોઇને નરેન્દ્રસિંહ કોમ્પલેક્સના ધાબા પર ચડી ગયો અને કોઇ નજીક જાય તો રેલિંગની બહાર જઇને કૂદીને આપઘાતની વાત કરતો હતો.
આ દરમિયાનમાં તેણે હાથ પર બ્લેડના ઘા મારીને ધાબા પરથી ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. આ મામલે બાવળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. તેના રૂમમાંથી મળેલા અખબાર પર પૂર્વ પ્રેમિકા અને તેના પતિ સામે આક્ષેપ કર્યા હોવાથી પોલીસે આરોપી ક્રિષ્ના મિસ્ત્રી અને રાહુલ મિસ્ત્રી (બંને રહે. રાલજ, ખંભાત) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક નરેન્દ્રસિંહે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યા હતા. જેમાં તેણે ‘બધું કરજો પણ કોઇ સાથે પ્રેમ ના કરતા, પાંચ વર્ષ જોડે રહી અને પછી કીધું હવે નથી રહેવું, મારા વ્હાલા તમારી પાસે કોઇ ઓપ્શન નહિ વધે…એના સિવાય…..તમને મારીને જંપ લેશે આ છોકરી’ તેવું લખાણ લખ્યુ હતું. નરેન્દ્રસિંહને ક્રિષ્ના સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો.
હોટલમાંથી મળેલા અખબાર પર તેની સહી સાથે કેટલુંક લખાણ પણ મળ્યું હતું. જેમાં ક્રિષ્નાના પતિ રાહુલ મિસ્ત્રી પાસે લેવાના નીકળતા પૈસા બાબતે ઉલ્લેખ કર્યાે છે. સાથે ક્રિષ્ના રોજ મળવા માટે મેસેજ કરીને ધમકી આપતી હતી.
તેણે રાહુલને નરેન્દ્રસિંહ વિશે ચઢામણી કરીને મારી નાખવાનો પ્લાન કર્યાે હતો. ક્રિષ્ના અવાર નવાર ગોવિંદ તું હજી શું જીવે છે મરી જા નહિ તો રાહુલને કહીશ તને મારી નાખશે તેવી ધમકી આપતી હતી. જેથી નરેન્દ્રસિંહ ઘર છોડીને બાવળા આવી ગયો હતો અને આ પગલું ભર્યું હતું.SS1MS