અમૂલ ડેરી ચૂંટણીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 9 બેઠકો માટે 24 ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

Anand, આણંદની હાઇ-પ્રોફાઇલ અમૂલ ડેરી ચૂંટણી શુક્રવારે અંતિમ ચરણમાં પ્રવેશી છે. સવારે 9 વાગ્યે મતગણતરીનો પ્રારંભ થયો છે. આ ચૂંટણીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 9 બેઠકો માટે 24 ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર છે. મતગણતરી ચાર સેન્ટરો પર આઠ ચરણમાં ચાલી રહી છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થવાની સંભાવના છે. Amul Board Elections High Turnout of 97.48 Percent Counting Begins for 8 Blocks and One Seat
10 સપ્ટેમ્બરે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં 97.48 ટકાનો રેકોર્ડબ્રેકિંગ મતદાન નોંધાયું હતું. ત્યારબાદ બેલેટ બોક્સોને જિલ્લા ખજાનાંના સ્ટ્રોંગરૂમમાંથી કડક સુરક્ષા વચ્ચે અમૂલ ડેરીના મતગણતરી કેન્દ્ર સુધી લાવવામાં આવ્યા હતા.
મતગણતરી દરમ્યાન દરેક કેન્દ્ર પર ચાર ટેબલ પર બેલેટની ગણતરી હાથ ધરાઈ રહી છે. અધિકારીઓ પહેલા બોક્સ ખોલી બેલેટ પેપર કાઢશે, પછી ઉમેદવાર મુજબ મતગણતરી કરશે. અમાન્ય ઠરાવાયેલા બેલેટ ઉમેદવાર અને એજન્ટોને દેખાડીને અલગ રાખવામાં આવશે.
પ્રક્રિયાની શરૂઆત આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત બેઠકોની ગણતરીથી થશે. ત્યારબાદ નડિયાદ, માતર, કઠલાલ અને કપરડવંજ બેઠકોની ગણતરી થશે. અંતે વ્યક્તિગત સભ્યોના મતની ગણતરી હાથ ધરાશે.
આ ચૂંટણી અંગે આણંદ અને ખેડા જિલ્લાના પશુપાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડેરીના પરિસરમાં ઉમેદવારોના પરિવારજનો અને સમર્થકોની મોટી ભીડ એકત્ર થવાની સંભાવના છે.
અમૂલ ડેરી, જેનું મુખ્ય મથક આણંદમાં છે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) હેઠળનું અગ્રણી સહકારી સંસ્થાન છે. ભારતના ડેરી ક્ષેત્રનું મોખરું સ્તંભ ગણાતું અમૂલ 55,000 કરોડ રૂપિયાથી વધુના વાર્ષિક ટર્નઓવર સાથે માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોટા દૂધ સહકારોમાંનું એક છે.
1946માં સ્થાપિત અમૂલને ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ ભારતની “શ્વેત ક્રાંતિ” લાવવાનો શ્રેય મળે છે. આ મોડલથી ભારત દૂધની તંગીમાંથી દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદન કરતું દેશ બની શક્યું.
ગુજરાતની 18,000થી વધુ ગામોમાં 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકો સાથે જોડાયેલ અમૂલનું સહકારી મોડલ વૈશ્વિક સ્તરે ખેડૂત સશક્તિકરણ અને ગ્રામ વિકાસનો કેઝ સ્ટડી બની ગયું છે.
માત્ર દૂધ, માખણ, આઈસક્રીમ કે ચીઝ જેવા ઉત્પાદનો પૂરતાં નહીં, અમૂલ ખેડુતોને સ્થિર આવક, ગ્રામ્ય રોજગાર અને ભારતને વૈશ્વિક ડેરી શક્તિ તરીકે સ્થપિત કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપે છે.