મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસ પાસે કોન્ટ્રાકટ પરના કર્મચારીઓની વિગતો ઉપલબ્ધ નથીઃ કમિશનર કોપાયમાન

AI Image
ગણપતિ મહોત્સવ દરમિયાન કોર્પોરેશન દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોણ વિજેતા બન્યા છે તેની માહિતી ડેપ્યુટી કમિશનર પાસે માંગી હતી, ત્યારે ડેપ્યુટી કમિશનરે એવો જવાબ આપ્યો હતો કે તેઓ ઝોન કક્ષાએથી માહિતી એકત્રિત કરી રહયા છે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ પર કેટલા કર્મચારીઓ છે તેની કોઈપણ માહિતી જવાબદાર વિભાગ કે અધિકારી પાસે નથી ઉપરાંત ફાયર એનઓસીના અભાવે શહેરની ૩૦૦ કરતા વધુ હોસ્પિટલોની બીયુ અટકી છે આ મામલે મ્યુનિ. કમિશનરે રીવ્યુ બેઠકમાં જવાબદાર અધિકારીઓને આડા હાથે લીધા હતાં.
મ્યુનિ. કમિશનરના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી વીકલી બેઠકમાં મહત્વનો મુદ્દો કોન્ટ્રાકટ પરના કર્મચારીઓનો રહયો હતો. મ્યુનિ. કમિશનર છેલ્લી બે મીટીંગથી આવા કર્મચારીઓ અને તેમની હાજરી માટે બાયોમેટ્રીક સીસ્ટમ અંગે સેન્ટ્રલ ઓફિસ પાસેથી વિગતો માંગી રહયા છે પરંતુ જવાબદાર ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારી પાસે આ મામલે પુરતી માહિતી જ નથી.
જેના કારણે કમિશનર તેમના મુળ સ્વરૂપમાં જોવા મળ્યા હતાં. ગણપતિ મહોત્સવ દરમિયાન કોર્પોરેશન દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોણ વિજેતા બન્યા છે તેની માહિતી ડેપ્યુટી કમિશનર જયેશભાઈ ઉપાધ્યાય પાસે માંગી હતી,
ત્યારે ડેપ્યુટી કમિશનરે એવો જવાબ આપ્યો હતો કે તેઓ ઝોન કક્ષાએથી માહિતી એકત્રિત કરી રહયા છે તેથી નારાજ કમિશનરે તેમને ટોણો મારતા જણાવ્યું હતું કે તમે જીએએસ કેડરના અધિકારી છો તો તે મુજબ કામ કરો તો વધારે સારું રહેશે. ઉપરાંત એમ પણ જણાવ્યું હતું કે ઝોન કક્ષાએથી માહિતી એકત્રિત કરવાની હોત તો હું જ સીધી રીતે મંગાવી શકતો હતો.
મ્યુનિ. કમિશનર દ્વારા પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ખાનગી સોસાયટીના બોર પર કલોરીન ડોઝીયર લગાવવા માટે સતત સુચના આપવામાં આવે છે તેથી સાત ઝોનમાંથી ર૦૭૩ ડોઝીયરની ડીમાન્ડ કરવામાં આવી છે જે પૈકી માત્ર પશ્ચિમ ઝોનમાં જ ૧૯ર૧ કલોરીન ડોઝીયરની માંગણી થઈ છે તેથી મ્યુનિ. કમિશનરે ઝોનના ડેપ્યુટી કમિશનરને સ્પષ્ટ જણાવ્યું હતું કે જે સ્થળે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો વસવાટ કરે છે અને માંદગીના ખર્ચા પણ ઉઠાવી શકતા નથી
તેવા સ્થળે જ ડોઝીયર લગાવવા જરૂરી છે. આ ઉપરાંત કમિશનરે હેલ્થ અને ફુડ વિભાગને એસઓપી મુજબ કામ કરવા સુચના આપી હતી સાથે સાથે જણાવ્યું હતું કે જો એસઓપી મુજબ કામ નહી થાય તો વિજીલન્સ તપાસ પણ થઈ શકે છે. રીવ્યુ બેઠકમાં ફરી એક વખત ફાયર એનઓસીનો મુદ્દો ચર્ચામાં રહયો હતો. કમિશનરે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનરને સ્પષ્ટ સુચના આપી હતી કે
દરેક રીવ્યુ બેઠકમાં એનઓસી અંગેની માહિતી જાહેર કરવી તેમજ જે હોસ્પિટલોની બીયુ માત્ર ફાયર એનઓસીના કારણે અટકી છે તે અંગે ઝડપથી કાર્યવાહી કરવી પણ જરૂરી છે. મીટીંગ દરમિયાન ડેપ્યુટી કમિશનર (સેન્ટ્રલ ઓફિસ) વારંવાર તેમના વિભાગના અધિકારીઓને સુચના આપતા હતાં. કમિશનરે તેમને ટોકતા જણાવ્યું હતું કે તમારા વિભાગની ચર્ચા આ કેબીનની બહાર નીકળ્યા બાદ કરવી.