બનાસકાંઠાના સાંસદ ગેનીબેન CM ને મળ્યાઃ વિશેષ રાહત પેકેજ આપવા વિનંતી કરી

ગાંધીનગર, સુઈગામ ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, વાવ,થરાદ અને ભાભર તાલુકામાં તાજેતરમાં તા. ૦૬/૦૯/૨૦૨૫ થી ૦૮/૦૯/૨૦૨૫ દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની કુદરતી આફતોને કારણે થયેલ ગંભીર નુકસાન તરફ ધ્યાન દોર્યું
અતિવૃષ્ટિ અને પૂરને લીધે વિસ્તારમાં પાકનું વ્યાપક નુકસાન, જમીનધોવાણ, ઘરોનું ધરાશાયી થવું અને પશુઓનું મૃત્યુ થયું છે, જેનાથી ખેડૂતો અને નાગરિકો આર્થિક સંકટમાં છે.પશુઓનું મૃત્યુ અને નુકસાનથી પશુપાલકોને તકલીફ પડી છે સાથે પોસ્ટમોર્ટમની શરતને કારણે વળતરમાં વિલંબ થાય છે, જેનાથી રોગચાળો ફેલાવવાનો ભય છે
અને મુખ્યમંત્રી સમક્ષ નિચે મુજબની માંગણીઓ મૂકવામાં આવી
(1)પાકનુકસાન, જમીનધોવાણ, ઘરધરાશાયી અને પશુનુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી પીડિતોને નાણાકીય વળતર આપવું. ખેડૂતોને તાત્કાલિક ધોરણે અઠવાડિયાની કેસડોલની સહાય આપવી. (2)બેઘર પરિવારો માટે રહેવાની વ્યવસ્થા અને પુનર્વસન યોજનાઓ અમલમાં મૂકવી.
(3)રોગચાળાની શક્યતા ટાળવા પશુઓના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અને પશુઓમાટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે.
(4) ખેડુતોને પાક નુકશાની માટે પ્રતિ હેક્ટર રૂા.૫૦,૦૦૦/- થી વધુની સહાય ચુકવવી જોઇએ અને પ્રતિ ખાતેદર ર હેકટરની મર્યાદા રાખવામાં આવે છે તે સરકારે ઉદારતા દાખવી ના રાખવી જોઈએ.
વધુમાં, ખેતર માલિકના ખેતરમાં ખેતમજુરી કરતા ભાગીયાઓ માટે પણ સહાય આપવાની જાહેરાત કરવી જોઇએ. આ ત્વરિત પગલાંથી ખેડૂતો અને નાગરિકોને રાહત મળશે અને તેઓ જીવન ફરી શરૂ કરી શકશે. મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિસાદ અને ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે
આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતો, પશુપાલકો, મજદુરો અને શહેરી વિસ્તારના નાગરિકોને 1000 કરોડ નું વિશેષ પૅકેજ આપવા માટે વિસ્તારના લોકો વતી રાજ્ય સરકારને વિનંતી કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ સુઈગામ પ્રાંત અધિકારીની કચેરી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી, મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
તેમણે વર્તમાન પરિસ્થિતિ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલ રાહત-બચાવના પગલાં અને સ્થળાંતરિત કરાયેલા લોકો માટે ઉપ્લબ્ધ કરવામાં આવેલ ભોજન સહિતની તમામ પ્રાથમિક સુવિધાની વિગતો મેળવી હતી તેમજ વરસાદથી પ્રભાવિત જનજીવન પૂર્વવત થાય તે સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાંત કચેરી ખાતે સરહદી વિસ્તારના અગ્રણીઓ સાથે પણ વરસાદથી સર્જાયેલી સ્થિતિ બાબતે સંવાદ સાધ્યો હતો તેમજ સરકાર તરફથી તમામ પ્રકારની શક્ય સહાયની ખાતરી આપી હતી.