Western Times News

Gujarati News

વન નેશન વન ઇલેક્શન અભિયાનને જન- જન સુધી પહોંચાડવાનું કાર્ય દરેક યુવા કરે: હર્ષ સંઘવી

ગુજરાત યુનિવર્સિટી ખાતે “સ્ટુડન્ટ ફોર વન નેશન- વન ઇલેક્શન” કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, અટલ- કલામ ભવન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે દિગ્વિજય દિવસ નિમિત્તે “સ્ટુડન્ટ ફોર વન નેશન- વન ઇલેક્શન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત ભરમાંથી આવેલ યુવા વિદ્યાર્થી નેતાઓને સંબોધતા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન અભિયાનને જન- જન સુધી પહોંચાડવાનું કાર્ય દરેક યુવા કરે. દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે ના થવાના કારણે લાંબા સમય સુધી આચાર સંહિતાનો અમલ રહે તેનાથી સરકારી નિર્ણયો પર રોક લાગે અને વિકાસ કાર્યોમાં વિલંબ થાય છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સેના, અર્ધસૈનિક દળ, પોલીસ તંત્ર, પ્રાથમિક શાળાના શિક્ષકો, સરકારના કર્મચારીઓનો સમય વેડફાય છે અને તેમની રોજિંદી પ્રવૃતિઓ કરી શકતા નથી. એક સાથે ચૂંટણી થાય તો ખર્ચમાં બચત થાય અને તે નાણા વિકાસના કાર્યોમાં ઉપયોગ કરી શકાય.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દેશ હિતમાં વન નેશન વન ઇલેક્શન માટે કટિબદ્ધ છે અને તેની સામે દેશ હિતના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરવાની ફેશન વિપક્ષ દ્વારા બનાવી દેવામાં આવી છે. દરેક યુવા આ અભિયાનની સમગ્ર બાબતને ૫૦-૫૦ યુવાનો સુધી લઈ જઈને આ અભિયાનને જન આંદોલનમાં પરિવર્તિત કરવાની હાંકલ કરી હતી.

આ પ્રસંગે સંબોધતા યુવા નેતા પ્રશાંત ભાઈ કોરાટે “છાત્ર શક્તિ રાષ્ટ્ર શક્તિ” ના નારા સાથે સૌ યુવા વિદ્યાર્થી નેતાઓનું સ્વાગત કર્યું હતું. કોરાટે જણાવ્યું કે આઝાદી પછી સરદાર પટેલ સાહેબે જે રીતે ભારતને એકસૂત્રમાં પિરોવ્યુ તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા પોતાનું જીવન ખપાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ભારતના ટ્રાન્સફોર્મર છે.

આગામી કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના ૭૫માં જન્મદિવસ નિમિત્તે નમો યુવા રન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૧૦ સ્થળોએ મેરેથોનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમાં તમામ યુવાશક્તિને જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું.

આજના આ પ્રસંગે વન નેશન વન ઈલેક્શનના પ્રદેશ કન્વીનર ડૉ અનિલ પટેલે સમગ્ર રાજ્યમાંથી પધારેલ યુવા નેતાઓને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ૧૮૨ વિધાનસભામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન થકી ૬૦ હજારથી વધુ લોકોએ વન નેશન વન ઇલેક્શનની બાબતને ધ્યાન પર લીધી છે અને સકારાત્મક બાબતો પર એકમત થઈ રહ્યા છે.

ઉત્તરપ્રદેશના સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરે સૌને સંબોધતા જણાવ્યું કે ભાજપ પાસે અત્યારે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં વન નેશન વન ઇલેક્શનનું બિલ પાસ કરાવવા માટેનું પૂરતું સંખ્યાબળ છે પરંતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વન નેશન વન ઈલેક્શન અભિયાનને જન આંદોલન બનાવી તે રાષ્ટ્ર માટે કેટલું જરૂરી છે તે બાબત સમાજના તમામ વર્ગો અને દેશના તમામ નાગરિકો સુધી લઈ જવા માંગે છે. વિપક્ષ આ બાબતે જે ભ્રાંતિઓ પ્રજા વચ્ચે ફેલાવી રહ્યા છે તેનો જવાબ દેશના યુવાઓ તેમને આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.