સોસાયટીના ચેરમેન પર બે શખ્સોએ ચપ્પા વડે હુમલો કર્યો

AI Image
ગાંધીનગર, ગાંધીનગર સરખેજ માર્ગ પર ખોરજ સ્થિત દિવાલી બ્લેસિંગ સોસાયટીમાં બાઈક પા‹કગ કરવા મુદ્દે સામાન્ય રકઝક થઈ હતી. આ બોલાચાલીમાં બે ઈસમોએ સોસાયટીના ચેરમેન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે અડાલજ પોલીસે બે ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ગાંધીનગરના ખોરજ ગામે આવેલ દિવાલી બ્લેસિંગ સોસાયટીમાં રહેતા નયનભાઈ પ્રહલાદભાઈ પટેલ સોસાયટીના ચેરમેન તરીકે સેવા આપે છે. ગઈકાલે રાતના સાડા નવ વાગ્યાના અરસામાં નયનને સોસાયટીમાં રહેતા રાજેશ પટેલે ફોન કરીને સોસાયટીમાં બે અજાણ્યા ઈસમો આવ્યા હોવાની જાણ કરી હતી.
આથી નયન તપાસ કરવા સોસાયટી નીચે ગયો હતો. જયાં એક ઈસમ સોસાયટીના સિકયુરીટી ગાર્ડ સાથે બોલાચાલી માથાકુટ કરતો હતો જેથી નયનભાઈ તેને સમજાવટથી કહ્યું કે બાઈક સોસાયટીની બહારની બાજુ પાર્ક કરો.
આ સાંભળીને ઈસમ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને નયનને લાફો ઝીંકી દઈ ઝપાઝપી કરવા લાગ્યો હતો. એ અરસામાં બીજા શખ્સે ચપ્પુ વડે તેમને બરડાના ભાગે હુમલો કૃયો હતો. બાદમાં પહેલા ઈસમે તેની પાસેથી ચપ્પુ લઈ હુમલો કરવા જતાં નયનભાઈ બાજુમાં પડેલ ટ્રી ગાર્ડ લઈને સ્વબચાવ કર્યો હતો જે મથામણમાં તેમને માથાના ભાગે ચપ્પુ વાગ્યું હતું.
આ ઘટનાના પગલે સોસાયટીમાં વધુ લોકો ભેગા થઈ જતાં બંને શખ્સો બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. બાદમાં સોસાયટીના માય ગેટ એપ્લિકેશન મારફતે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ શખ્સો સોસાયટીના સી-૭૦૧ બ્લોકમાં રહેતા અનુમા કોન્ટ્રાકટરને મળવા આવ્યા હતા. જેમની પૂછતાછમાં એક શખ્સનું નામ શ્યામલ રાજુભાઈ ચક્રવર્તી (રહે. આનંદનગર ફલેટ અખબાર નગર) અને સાથેનો બીજો શખ્સ તેનો કોઈ મિત્ર હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને નયનભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ અંગે નયનભાઈની ફરિયાદના આધારે અડાલજ પોલીસે બન્ને ઈસમો વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.