ડોલર સામે સતત ગગડતો રૂપિયો ૮૮.૪૬ના નવા તળિયે

નવી દિલ્હી, હુંડિયામણ બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી વધી ઉંચામાં રૂ.૮૮.૪૬ની રેકોર્ડ સપાટીએ પહોંંચી ગયા હતા. સામે રૂપિયો ગબડી નવા નીચા તળીયે પટકાયો હતો.
રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા મોંઘવારી વધુ વકરશે એવી ભીતી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. રૂપિયા સામે આજે ડોલરના ભાવ રૂ.૮૮.૧૧ વાળા સવારે રૂ.૮૮.૧૨ખુલ્યા પછી ભાવ ઝડપી વધી ઉંચામાં રૂ.૮૮.૪૬ની નવી ટોચે પહોંચી ગયા હતા અને ત્યારબાદ ભાવ રૂ.૮૮.૪૨ના મથાળે બંધ રહ્યા હતા.
રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ૩૧ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૩૫ ટકા તૂટી ગયો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જોકે મુંબઈ શેરબજારમાં તેજી આગળ વધી હતી તથા વિશ્વબજારમાં ક્‰ડતેલના ભાવમાં ઉંચેથી પીછેહટ દેખાઈ હતી છતાં કરન્સી બજારમાં રૂપિયો સતત તૂટતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.
અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલી આકરી ટેરીફના પગલે રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ડોલર સામે એશિયાના વિવિધ દેશોની કરન્સીઓ તાજેતરમાં ઘટી છે પરંતુ રૂપિયામાં નોંધાયેલો ઝડપી ઘટાડો આ કરન્સીઓમાં સૌથી વધુ બતાવાઈ રહ્યો હતો.
આ પૂર્વે તાજેતરમાં રૂપિયો તૂટી રૂ.૮૮.૩૮ સુધી ઉતર્યાે હતો અને આજે રૂપિયો વધુ તૂટતાં નીચામાં રૂ.૮૮.૪૬નું નવું તળીયું દેખાતાં બજારમાં ખાસ્સી ચકચાર જાગી હતી.ડોલરમાં આયાતકારોની હેજીંગ સ્વરૂપની માગ પણ વધી છે.
રૂપિયાને સપોર્ટ આપવા રિઝર્વ બેન્કની કહેવાતી સુચનાથી વિવિધ સરકારી બેન્કો તાજેતરમાં ઉંચા મથાળે ડોલર વેંચી રહી હતી છતાં રૂપિયા પર દબાણ વધતું જોવા મળ્યું હતું.
અમેરિકાની આકરી ટેરીફના પગલે ભારતના નિકાસકારો મુંઝવણમાં મુકાયા છે ત્યારે રૂપિયો તૂટતાં તથા ડોલર ઉંચકાતાં નિકાસકારોને તેટલા પ્રમાણમાં રાહત પણ સર્જાઈ હોવાનું બજારનો અમુક વર્ગ જણાવી રહ્યો હતો.
દરમિયાન, અમેરિકામાં તાજેતરમાં જોબગ્રોથના આંકડા નિરાશાજનક આવ્યા પછી હવે ફુગાવો પણ અપેક્ષા કરતાં વધુ ઘટયાના સમાચાર આવ્યા પછી એ જોતાં ત્યાં હવે પછી ટૂંકમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા વધી હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં જથ્થાબંધ ફુગાવો ઘટયો છે.
ત્યાં હવે વ્યાજના દરમાં કેટલો ઘટાડો કરવામાં આવે છે તેના પર બધાની નજર રહી હતી. ત્યાં ફેડરલ રિઝર્વની મિટિંગ ૧૬ તથા ૧૭ સપ્ટેમ્બરે મળવાની છે.જાપાનમાં ફુગાવો વધ્યો છે. યુરોપની સેન્ટ્રલ બેન્કની મિટિંગ પર પણ ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન,વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૦.૨૨ ટકા વધ્યો હતો.
ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૯૭.૭૭ તથા ઉંચામાં ૯૮.૦૪ થઈ ૯૭.૯૯ રહ્યો હતો. યુરોપમાં વ્યાજના દર જાળવી રાખવાનું નક્કી થયાના સમાચાર મોડેથી મળ્યા હતા.
દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૯.૫૮ થઈ છેલ્લે રૂ.૧૧૯.૪૧ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૧૫ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૩.૪૪ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૩.૩૫ રહ્યા હતા. જોકે રૂપિયા સામે જાપાનની કરન્સી આજે ૦.૧૦ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૩૪ ટકા ઉંચકાઈ હતી.SS1MS