BCCIના પ્રમુખ બનવાની અટકળોને સચિન તેંડુલકરે ફગાવી

મુંબઈ, મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે ભારતીય ક્રિકેટ બોર્ડના આગામી પ્રમુખ બનવા અંગે ચાલી રહેલી અટકળોને ગુરુવારે ફગાવી દીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી એવી અટકળો ચાલી રહી હતી કે આ મહિનાને અંતે મળનારી બીસીસીઆઈની બેઠકમાં આગામી પ્રમુખનો નિર્ણય લેવાનારો છે તેમાં પ્રમુખપદ માટેનો મુખ્ય દાવેદાર સચિન તેંડુલકર છે.
પરંતુ ગુરુવારે તેણે આ અટકળો ફગાવી દીધી હતી.બાવન વર્ષીય સચિન તેંડુલકરની મેનેજમેન્ટ ફર્મે ગુરુવારે ખુલાસો કર્યાે હતો કે આવી કોઈ શક્યતા નથી. બીસીસીઆઈના પ્રમુખ તરીકે રોજર બિન્નીએ તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યાે અને નિયમ મુજબ તેમણે ૭૦ વર્ષની વયે આ હોદ્દો છોડી દેતાં આ સ્થાન ખાલી પડ્યું છે.
સચિન તેંડુલકરની કંપનીએ જારી કરેલા નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે સચિન તેંડુલકરને બીસીસીઆઈના આગામી પ્રમુખ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે અથવા તો નોમિનેટ કરવામાં આવ્યા છે તેવા અહેવાલ અને અફવા અમારા ધ્યાનમાં આવી છે પરંતુ અમે એ ખુલાસો કરવા માગીએ છીએ કે આ પ્રકારની કોઈ વાતમાં સત્યતા નથી.
અમે તમામને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારની પાયાવિહોણી બાબતોથી દૂર રહે અને આવી કોઈ અટકળને ફગાવી દઇએ છીએ.વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી છે અને તેમાં બોર્ડના આગામી પ્રમુખ ઉપરાંત આઇપીએલના નવા ચેરમેન અંગે પણ નિર્ણય લેવાશે.
આ માટે સચિન તેંડુલકર સહિત ઘણા નામોની ચર્ચા ચાલી રહી છે.રોજર બિન્નીએ ૨૦૨૨ના ઓક્ટોબરમાં પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો પરંતુ બોર્ડના બંધારણ મુજબ ૭૦ વર્ષની વય પૂરી થતાં તેઓ આ હોદ્દો સંભાળી શકે તેમ નહીં હોવાથી બોર્ડને નવા પ્રમુખની વરણી કરવાની જરૂર પડી છે. ૩૦મીની બેઠકમાં બોર્ડના નવા ઓમ્બુડ્સમેન અને એથિક્સ ઓફિસર તથા આઇસીસી ખાતે ભારતના પ્રતિનિધિની પણ વરણી કરાશે.SS1MS