ચાંદલોડિયામાં ૨૦ લાખ લિ. કેપેસિટીની ટાંકી ઓવરહેડ ટાંકી બનાવાશે

પ્રતિકાત્મક
અમદાવાદ, પ્રતિનિધિ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં આવેલા ચાંદલોડિયા વોર્ડમાં દેવસિટી તળાવ પાસે રૂ. ૫ કરોડ, ૧૨ લાખના ખર્ચે ૨૦ લાખ લિટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવશે.
આ પાણીની ટાંકી તૈયાર થઈ ગયા પછી અને હયાત નેટવર્કમાં જરૂર મુજબ વધારો કરાયા પછી દેવસિટી વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ એરિયાના વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી મળશે. આ હેતુસર વોટર સપ્લાય કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે.
વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ બગરિયા એ જણાવ્યું હતું કે, દેવસિટી વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ એરિયામાં આવેલા ગોતા અને ચાંદલોડિયા વોર્ડની લગભગ બે કિ.મી. વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં સવારે ૬ થી ૮ કલાકના સમયગાળા દરમિયાન આપવામાં આવે છે.
જોકે, વસ્તીની દ્રષ્ટિએ આ વિસ્તાર ગીચ હોવાથી કેટલીક સોસાયટીઓમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ બાબતને ધ્યાનમાં લઈને દેવસિટી વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમ્પાઉન્ડમાં પાણીની નવી ઓવરહેડ ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા ૨૦૨૫-૨૬ના બજેટમાં આ ઓવરહેડ ટાંકી બનાવવાના કામનો સમાવેશ કરાયો હતો.
ચાંદલોડિયા વોર્ડમાં નવી પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા માટે AMCના એન્જિનીયરિંગ વિભાગ દ્વારા રૂ. ૭ કરોડ, ૯ લાખનો અંદાજ નક્કી કરવામાં આવ્યો હતો. ચાંદલોડિયામાં નવી પાણીની ઓવડરેહેડ ટાંકી તૈયાર થઈ ગયા
પછી પ્રસંગ પાર્ટી પ્લોટથી RC ટેકનિકલ ઈન્સ્ટીટ્યુટ થઈ ડમરૂ સર્કથઈ ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજને સમાંતર આવેલી જયભાનુ, દ્વારકાપુરી, ઉમા એપાર્ટમેન્ટ, ગણેશ બંગલોઝ, યુનિક સિટી, ઈન્દિરાનુગર, વગેરે સોસાયટીઓ તેમજ ચાણક્યપુરી રોડથી SG હાઈવેથી સોલા ઓવરબ્રિજથી રેલવેને સમાંતર આવેલી સોસાયટીઓમાં અપૂરતા પ્રેશરથી પાણીની ફરિયાદો નિવારી શકાશે.