Western Times News

Gujarati News

મ્યુનિસિપલ વહીકલ ટેક્ષ ન ભરનાર ડીલરો સામે કાયદેસર કાર્યવાહી થશે

AI Image

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરમાં વાહનોનું વેચાણ કરતા ડીલરો દ્વારા નાગરિકોનો ઓનલાઈન વહીકલ ટેક્સ સીધો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવામાં આવતો હોય છે. જેમાં વાહનનું બિલ જમા કરાવવાનું હોય છે પરંતુ ડીલરો દ્વારા ટેક્સ ભરવામાં પણ કૌભાંડ કરવામાં આવતું હોય છે.

હવેથી ડીલરોને જ વિહિકલ ટેક્સ ભરવો પડશે જો તેઓ ટેક્સ ભરાવવામાં નિષ્ફળ જશે તો આવા ડીલરોને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવશે અને નોટિસનો જવાબ પણ આપવાની તક આપવામાં આવશે. જો ડીલર દ્વારા આ બાબતે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ડીલરનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે.

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ વિભાગ દ્વારા જે તે ડીલરનું ૨જીસ્ટ્રેશન કરી ડીલરો માટે નાગરિકો વતી ઓનલાઈન વ્હીકલટેક્ષ ભરવાનું મોડયુલ તૈયાર કરવામાં આવ્યું છે. મોડયુલમાં ડીલરો દ્વારા નાગરિકો વતી વ્હીકલટેક્ષ ભરતા સમયે તેઓ દ્વારા જે તે વાહનનું બીલ/ઈન્વોઈસ અપલોડ કરવાનું હોય છે.

અપલોડ કરવામાં આવે છે ત્યારે ઇન્વોઇસનું વેરીફીકેશન કરતા બીલમાં છપાયેલી રકમ કરતા ઓછી રકમનો વ્હીકલટેક્ષ હોય, જે વાહનનો વ્હીકલટેક્ષ ભરેલો છે તેના બદલે બીજા વાહનનું બીલ અપલોડ કરેલ હોય અને  બીલના બદલે આધારકાર્ડ/પાનકાર્ડ/વાહનનો ફોટો મુકેલો હોય અને બીલ ખૂબ જ ઝાંખૂ હોય તેવા કિસ્સાઓ સામે આવે છે.

ઓનલાઇન વિહિકલ ટેક્સ તે ભરવાનો હોય છે તે ભરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાના પગલે હવે ટેક્સ વિભાગ દ્વારા ડીલરને જ ઓનલાઈન નોટીસ મળશે. ડીલરને તેના મોબાઈલમાં પણ આ બાબતે નો મેસેજ મળી જશે. નિર્ધારીત સમયમાં જે તે ડીલર નોટીસ બાબતે પૂર્તતા કરશે અથવા નોટીસ સામે વાંધો ઉઠાવી શકશે.

જે તે ડીલર દ્વારા નિર્ધારિત સમયમાં નોટીસ બાબતે કોઇ જવાબ નહીં આપવામાં આવે તો ડીલરનું રજીસ્ટ્રેશન રદ કરવા અંગેના પગલા લેવામાં આવશે. આ પદ્ધતિ લાગુ કરવાના કારણે શંકાસ્પદ એન્ટ્રીઓ બાબતે ડીલરની બાબતો ત્વરિત ધોરણે થશે અને આવકમાં વધારો થશે તેમજ ડીલરોમાં વાહનવેરો નિયમાનુસાર ભરવા અંગે જાગૃતિ આવશે.

આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં વ્હીકલ ટેક્સ ન ભરનારી મોંઘી અને મોટી ગાડીઓના નંબરો સાથે પ્રેસ નોટ જાહેર કરવામાં આવશે. ટેક્સ નહીં ભર્યો હોય તો તેના બાબતે માહિતી જાહેર કરી અને તેમના વાહનો જપ્ત કરવા સુધીની પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌથી વધારે ટેક્સ બાકી હોય તેવી 50 મોટી અને મોંઘી ગાડીઓના ડેટા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેથી જેનો પણ વ્હીકલ ટેક્સ બાકી હોય તેને ઝડપી ભરી દેવા માટે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.