“GST દરમાં ઘટાડાને કારણે સ્ટોકના ITCનું રિફંડ કેવું રીતે મેળવવું” GCCI ખાતે સેમિનાર

GCCI ઇનડાયરેક્ટ ટેક્સ કમિટી દ્વારા “GST નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ” પર માર્ગદર્શન પૂરું પાડવા માટે સેમિનારનું થયેલ આયોજન.
GCCI, ઇનડાયરેક્ટ ટેક્સ કમિટી દ્વારા તારીખ 12મી સપ્ટેમ્બર, 2025 ના રોજ “GST નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ” પર માર્ગદર્શન પૂરું પાડવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રસ્તુત સેમિનારમાં GCCI ના ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહ, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટવારી, માનદ મંત્રી શ્રી સુધાંશુ મહેતા, માનદ ખજાનચી શ્રી ગૌરાંગ ભગત, ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન શ્રી નયનભાઈ શેઠ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે CA શ્રી નિતેશ જૈન, CA શ્રી પુનિત પ્રજાપતિ અને CA શ્રી રશ્મિન વાજા ઉપસ્થિત રહ્યા હતા જેઓ GCCI ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીના સભ્યશ્રીઓ પણ છે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI ના માનદ સચિવશ્રી સુધાંશુભાઈ મહેતાએ ઉલ્લેખ કર્યો હતો કે GST કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા વિવિધ “GST નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ” આપણા અર્થતંત્ર માટે “ગેમ ચેન્જર” સાબિત થશે. તેઓએ GCCI ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીને આ સેમિનારનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત સુધારા માત્ર “GST કર વ્યવસ્થા” ને સરળ નહીં બનાવે, પરંતુ લોકોની ખરીદશક્તિમાં વધારો કરશે, ટેક્સ ચુકવણીને કાર્યક્ષમ બનાવશે અને બજારોને પણ ગતિશીલ બનાવશે.
તેઓએ ઉમેર્યું હતું કે સેમિનાર માં ઉપસ્થિત વિદ્વાન વક્તાઓ આ બાબતે ઊંડાણમાં વિવિધ જાણકારી પુરી પાડશે. તેમણે કરવેરાના દરમાં ઘણા મુખ્ય ફેરફારો વિશે ટિપ્પણી કરી જેમાં બે સ્લેબ એટલે કે 12% અને 28% સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રસ્તાવ છે. ઘણી વસ્તુઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવશે વગેરે. તેમણે ઉલ્લેખ કર્યો કે આ સેમિનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટ, સેસ સંબંધિત ક્રેડિટ, વેચાણ કિંમતને સમાયોજિત કરવા અને સપ્ટેમ્બર 2025 રિટર્ન કેવી રીતે ભરવું તે અંગે સ્પષ્ટતા લાવશે.
સેમિનારના સંદર્ભમાં પોતાનું થીમ એડ્રેસ આપતા, GCCI ઇનડાયરેક્ટ કમિટીના ચેરમેન શ્રી નયન શેઠે જિસ્ટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલ મહત્વપૂર્ણ “નેક્સ્ટ જનરેશન GST સુધારા” પર વિગતવાર વાત કરી હતી તેમજ GCCI દ્વારા GST કાઉન્સિલને કરવામાં આવેલ વિવિધ સૂચનોનો પણ વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. તેઓએ GST ની કલમ 171(2) માં નફાકારકતા વિરોધી જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ડીલરોને વિનંતી કરી કે તેઓ સ્વેચ્છાએ કર ઘટાડાનો લાભ અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડે.
આ પ્રસંગે બોલતા, વિદ્વાન વક્તાઓએ 56મી GST કાઉન્સિલ મિટિંગ દ્વારા કરવામાં આવેલ વિવિધ ભલામણોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર, GST દરમાં ઘટાડાને કારણે સ્ટોકના ITCનું રિફંડ, વિવિધ ક્ષેત્રોમાં રેટ રેશનલાઇઝેશન, રિફંડ ભલામણોની પ્રક્રિયા, સરળ GST નોંધણી યોજના, ના વેચાયેલા પ્રી-પેકેજ્ડ સ્ટોક પર MRP માં સુધારો અને માલ અને વિવિધ સર્વિસીસની કિંમતોમાં ઘટાડા જેવી મુખ્ય લાક્ષણિકતાઓ પર વિગતવાર સમજ પૂરી પાડી હતી.
સીએ શ્રી પુનિત પ્રજાપતિએ જૂના દર અન્વયે ઇન્ફ્લેશન કંટ્રોલ, વિવિધ વર્ગીકરણ, 5% દર હેઠળ સૂચિત 351 વસ્તુઓ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પર વધુ પ્રકાશ પાડ્યો હતો. શ્રી નિતેશ જૈને વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે હોટેલ ઉદ્યોગમાં સંપૂર્ણ ITC ને બદલે પ્રમાણસર ITC ક્રેડિટ ઉપલબ્ધ થશે. શ્રી રશ્મિન વાજાએ વિવિધ ક્ષેત્રોમાં જિસ્ટ દરના રેશનલાઈઝાશન વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે આયોજિત પ્રશ્નોત્તરી સત્ર પણ માહિતીસભર રહ્યું હતું. આ પ્રસંગે GCCI ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીએ GST સુધારા પર પ્રકાશ પાડતી અને તે અંગે વિગતવાર માહિતી આપતી એક સુંદર પુસ્તિકા પણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરી હતી.
GCCI ના માનદ ખજાનચી શ્રી ગૌરાંગભાઈ ભગત દ્વારા આભાર વિધિ પછી સેમિનારનું સમાપન થયું હતું.