આણંદમાં હોટલમાંથી એમડી ડ્રગ્સ સાથે નારનો યુવાન ઝડપાયો

આણંદ, આણંદમાં અમુલ ડેરીની બાજુમાં આવેલ હોટલ ના રુમ નં. ૨૦૭માંથી નારના યુવાન મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી ચાર ગ્રામનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ પોલીસને બાતમી મળી હતી કે પ્રતિકકુમાર ઉર્ફે ભાણો રોહિતભાઈ પટેલ (રહે. ડાયમાવડ પંચાયત પાસે નાર તા. પેટલાદ) એમ. ડી. ડ્રગ્સની હેરાફેરી કરે છે. હાલમાં કાર લઈ આણંદ અમુલ ડેરી પાસે આવેલ હોટલ સચના રૂમ નં. ૨૦૭માં આવેલો છે.
ચોક્કસ બાતમીના પગલે પંચો સાથે એસઓજી પોલીસ હોટલ સચમાં પ્રવેશી રુમ નં. ૨૦૭માં જઈ તપાસ કરતા પ્રતિક ઉર્ફે ભાણો રોહિતભાઈ પટેલ રહે.નાર હોવાનું ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતા પેન્ટના ખીસ્સામાંથી કાળા રંગના પર્સમાંથી એક જીપલોક પાઉચમાં શંકાસ્પદ નશીલો એમ. ડી. ડ્રગ્સનો પદાર્થ મળ્યો હતો.
પુછપરછમાં તેમની પાસે ડ્રગ્સ રાખવાનું લાયસન્સ કે પરવાનો ન હોવાની જાણ થતાં તરત જ એફએલએસને બોલાવી હતી. બાદમાં ડ્રગ્સનો વજન કરતા ૪.૩૨૦ ગ્રામ વજન થયું હતું. ત્યારબાદ પાઉચમાંથી કાઢીને વજન કરાયુ તો ડ્રગ્સનું વજન ૪ ગ્રામ થયું હતું.
એક ગ્રામની કિંમત રુ. ૧૦ હજાર હતી. કુલ ૪૦ હજારનું મેફોરોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ સહિત કુલ રુ. ૩,૬૦,૦૦૦નો મુદામાલ તેની પાસેથી કબ્જે લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.SS1MS