બોલો લ્યો, આ જિલ્લાના સંસદ સભ્ય અને સરકારનાં મંત્રી વચ્ચે બોલ્યા વ્યવહાર નથી!

નરેન્દ્ર મોદી એવું કહેતા કે ‘ક’ કમલનો ક, ‘ક’ કઠલાલનો ક અને ‘ક’ કનુભાઈનો ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આવા લાડ પામનાર કનુ ડાભીની અત્યારે પક્ષમાં સ્થિતિ ખૂબ કફોડી છે.
એમા પણ આ મંત્રીનું નામ સાંભળીને સાંસદ ચિડાય અને ખોટાં ત્રાગાં કરે.
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવા સમાચાર મળ્યા છે કે એક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય સરકારની કેબિનેટમાં સ્થાન પામેલા મંત્રી અને તેઓ જે જિલ્લામાંથી આવે છે એ જિલ્લાનાં સંસદ સભ્ય વચ્ચેનાં મતભેદો એવી ચરમ સીમાએ પહોંચ્યા છે કે એ બંને એકબીજા સાથે બોલતાં પણ નથી.
સ્થાનિક અધિકારીની મુંઝવણ એવી છે થઈ ગઈ છે કે સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ અનુસાર આ બંને પદાધિકારીઓને બોલાવવા પડે. એમા મંત્રીનું નામ સાંભળીને સાંસદ ચિડાય અને ખોટાં ત્રાગાં કરે. એ જિલ્લાના એક ઓફિસરે એવું કહ્યું કે અમારા જિલ્લામાં સ્થિતિ એવી છે કે ‘પાડેપાડા બાઝે એમાં ખો ઝાડનો નીકળી જાય’ એ કહેવત યાદ આવી જાય છે.
પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીની ભા.જ.પ.મા ભરપૂર અવગણના
એક જમાનો એવો હતો કે ભા.જ.પ.કઠલાલ-કપડવંજની ધારાસભાની સીટ નહોતો જીતી શકતો.ત્યારે ભા.જ.પ.ના એ વિસ્તારના નિષ્ઠાવાન આગેવાનોએ કમર કસીને એ સીટ પર કનુ ડાભીને જીતાડી દીધાં.
એ વખતે નરેન્દ્ર મોદી એવું કહેતા કે ‘ક’ કમલનો ક,’ક’ કઠલાલનો ક અને ‘ક’ કનુભાઈનો ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આવા લાડ પામનાર કનુ ડાભીની અત્યારે પક્ષમાં સ્થિતિ ખૂબ કફોડી છે.
કઠલાલની સીટ કોંગ્રેસમાંથી ભા.જ.પ. આવેલા રાજેશ ઝાલાને આપી દેવામાં આવી છે.ઝાલા હજુ કોગ્રેસ કલ્ચરમાંથી બહાર નીકળી શક્યા નથી એટલે ભા.જ.પ.ના કોઈ કાર્યકરોના કામ થતાં નથી. વહીવટીતંત્ર પણ આ પૂર્વ ધારાસભ્યની ભરપૂર અવગણના કરે છે અને પ્રદેશ કમલમ કનુ ડાભીને હાંસિયામાં રાખે છે એવો ડાભીએ કમેરા સામે ઉભા રહીને આક્ષેપ છે.
રાજ્યકક્ષાના મત્સ્યોધ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીનો દબદબો બરકરાર છે
ગુજરાત સરકારનાં મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને ગુજરાત કોળી સમાજના શ્રદ્ધેય નેતા પુરૂષોત્તમ સોલંકીનું ગુજરાતનાં (અને ભારતના પણ) કોળી સમાજ પરનું વર્ચસ્વ હજુ પણ એવું ને એવું મજબૂત છે એની સાબિતી હમણાં મળી ગઈ.
બન્યુ એવું કે સોલંકી દ્વારા છેલ્લા ૫૪ વર્ષથી મુંબઈના અંધેરીમાં ‘મોગેશ્વર ગણેશોત્સવ’ શિર્ષક હેઠળ ગણપતિ મહોત્સવ ઉજવાય છે.
તેમા આ વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ગયા હતા.
આશ્ચર્યકારક અને જોવા જેવું દ્રશ્ય તો એ હતું કે આખું ગુજરાત ભા.જ.પ.જે અમિત શાહ શાહની ભરપૂર આમન્યા રાખીને તેમનાથી એક અંતર રાખે છે એ અમિત શાહને ભેટીને અને તેમના ખભે હાથ મૂકીને પુરુષોત્તમ સોલંકી વાતો કરતા હતા!
આ પછી કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી વિમુખ બાંભણિયા, ભાવનગર જિલ્લાના ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ પણ આ ગણેશોત્સવના દર્શન માટે મુંબઈ પહોંચ્યા હતા.અરે, કેન્દ્રિય મંત્રી નિમુ બાંભણિયા તો કેડેથી નમીને પુરુષોત્તમ સોલંકીને પગે પણ લાગ્યા હતા હોં!
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાની એક વધુ સિદ્ધિ
ગુજરાત સરકારનાં આઈ.એ.એસ.અધિકારીઓ નિવૃત થયા પછી જાહેર પ્રવૃત્તિમાંથી લગભગ અદ્રશ્ય થઈ જતાં હોય છે.એમા કવિ ભાગ્યેશ વાસુદેવ જહા અપવાદ છે.વડોદરા જિલ્લાના સૌથી લાંબા સમય સુધી કલેકટર રહેવાનો અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે ૩ વખત રહેવાનો રેકોર્ડ ધરાવતા ભાગ્યેશ જહાને ભારતીય ભાષા સન્માન -૨૦૨૫થી નવાજવામાં આવ્યા છે.
આ સન્માન જહાને વારાણસીનાં મહાત્મા ગાંધી વિદ્યાપીઠના પરિસરમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાને હસ્તે આપવામાં આવશે.ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ ભાગ્યેશ જહાને આ સન્માન આપવામાં આવશે.
ભાગ્યેશ જહા ગાંધીનગરના જાહેર જીવન સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે.
એક વર્ષમાં માત્ર છ (૬) આર.ટી. આઈ. અરજી કરવા અંગે માહિતી આયોગની સ્પષ્ટતા
ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા તા. ૨૨/૮/ ૨૫ના દિવસે લેવાયેલાં નિર્ણય અનુસાર કેલેન્ડર વર્ષ દરમિયાન વધુમાં વધુ ૬(છ) આર.ટી.આઈ. અરજી કરી કરી શકવા અંગે માહિતી આયોગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સદરહુ આદેશ માત્ર વ્યક્તિગત કેસમાં જે તે વ્યક્તિ (નાનજી હરસુખ બારૈયા) માટે જ કરવામાં આવેલ છે. એ ગુજરાત રાજ્યના અન્ય કોઈ પણ અરજદારને લાગું પડતું નથી.