મોતના કેસમાં નકલી પોલીસે દંપતી પાસે ૧.૨૦ લાખ પડાવ્યા

અમદાવાદ, અમરાઇવાડીમાં નકલી પોલીસે અકસ્માત મોતના કેસમાં સમાધાન કરાવી આપવાનું કહીને દંપતી પાસેથી રૂ. ૧.૨૦ લાખ પડાવી લીધા હતા. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ સામે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.
સામાવાળા પક્ષે સમાધાન માટે રૂ.૧૫ લાખની માગણી કરી હતી. આ અંગે મહિલાએ નકલી પોલીસ સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખોખરામાં રહેતા ૩૯ વર્ષીય સ્ટેમીના ક્રિસ્ટી ઇસનપુરમાં હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. તેમના પતિ વિલીસ સ્કૂલવાન ચલાવે છે. ગત વર્ષ ૨૦૧૯માં વિલિસ સામે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત અંગેનો કેસ નોંધાયો હતો.
આ કેસ કોર્ટમાં છે ત્યારે સામેવાળા પક્ષે સમાધાન માટે રૂ. ૧૫ લાખની માગણી કરી હતી. તેથી સ્ટેમીના ચિંતામાં રહેતા હતા અને નિરાકરણ લાવવા મિત્રોને વાત કરી હતી. મિત્ર દ્વારા અમરાઇવાડીના અલ્કેશ પરમારને મળ્યા હતા. તેણે પોતે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે અને તમારૂ કામ પતાવી દઇશ તેમ કહી કેસના ડોક્યુમેન્ટો લઇ લીધા હતા.
બાદમાં અલ્કેશે મહિલાને જણાવ્યું કે તમે ચિંતા કરશો નહીં, મારે ફરિયાદી સાથે સમાધાન અંગેની વાત થઇ ગઇ છે અને તેના પેટે તમારે રૂ.૧.૨૦ લાખ આપવા પડશે. તેથી સ્ટેમીના અને પતિએ ટુકડે-ટુકડે કુલ રૂ. ૧.૨૦ લાખ અલ્કેશને આપ્યા હતા પરંતુ બાદમાં અલ્કેશ બહાના કાઢતો હતો અને તમને બોલાવું ત્યારે સહી કરવા આવી જજો તેમ કહ્યું હતુ. બાદમાં ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.
તેથી અલ્કેશના ઘરે તપાસ કરતા તે કોઇ પોલીસમાં ન હોવાનું અને તે ખોટા કામો કરતો હોવાથી ઘરવાળાએ સંબંધ કાપી નાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.SS1MS