મહેસાણા-બેચરાજી હાઇવે પર સલ્ફર પ્લાન્ટમાં આગ, બેનાં મોત

મહેસાણા, મહેસાણા-બેચરાજી હાઈવે પર આવેલા સામેત્રા ગામ નજીક છઁદ્ગ સલ્ફર પ્લાન્ટમાં શનિવારે મોડી રાત્રે અગમ્યકારણોસર અચાનક આગ ફાટી નીકળતાં પ્લાન્ટમાં કામ કરી રહેલા બે શ્રમિકોનાં ગંભીર રીતે દાઝી જતાં મોત નીપજ્યાં હતા, જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સામેત્રા ગામ નજીક આવેલા સલ્ફર પ્લાન્ટમાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે મહેસાણા મ્યુનિસિપલ કોર્પાેરેશનની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. આગનો કોલ મળતાં જ ફાયર વિભાગની ટીમ રાત્રે ૩.૧૦ કલાકે ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી.
જોકે, ફાયર ફાઇટર્સ પહોંચે તે પહેલાં ફેક્ટરીના કર્મચારીઓ અને અન્ય લોકોએ આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું.
આગ પર કાબૂ મેળવી લીધા બાદ પ્લાન્ટમાં તપાસ કરાઈ આવી ત્યારે બે શ્રમિકો ફૂલચંદ (મૂળ રહે. મહારષ્ટ્ર) અને મનીષ (મૂળ રહે. બિહાર) ભડથું થયેલા હતા. જ્યારે અન્ય બે લોકો અવિનાશ અને પ્રિન્સ ઇજાગ્રસ્ત થયા હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જોકે, આગ કેમ લાગી તે અંગે કોઈ જાણકારી મળી નથી પરંતુ સૂત્રો મુજબ કંપનીમાં કાચો માલ સૂકવવા માટે બોઇલરમાં નાખતી વખતે આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના બાદ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં શ્રમિકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે કે પછી આગ લાગવા પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે દિશામાં મહેસાણા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફેક્ટરીમાં સલામતીના નિયમોના પાલન અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.SS1MS