વનતારામાં ગેરકાયદે રીતે પ્રાણીઓની ખરીદી, કેદમાં રાખીને અત્યાચારઃ આક્ષેપો ખોટાઃ સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટની વનતારાને ક્લિનચીટ
દુનિયામાં અનેક લોકો અમારી સાથે વ્યવસાયિક હરીફાઈ કરે છે, જેથી આ મુદ્દાનો દુરુપયોગ થઈ શકે છેઃ હરીશ સાલ્વે
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૨૫ ઓગસ્ટના રોજ જામનગર સ્થિત વનતારા પ્રાણી પુનર્વસન કેન્દ્ર સામે ઉઠેલા ગંભીર આક્ષેપોની તપાસ કરવાના હેતુથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. વનતારા સામેના આક્ષેપોમાં ગેરકાયદે રીતે પ્રાણીઓની ખરીદી, તેમને કેદમાં રાખીને અત્યાચાર તેમજ નાણાકીય ગેરરીતિ જેવા મુદ્દા સામેલ હતા.
જો કે, એસઆઈટી રિપોર્ટ આવતા જ સુપ્રીમ કોર્ટે આ તમામ આરોપો ફગાવીને વનતારાને ક્લિનચિટ આપી છે. એટલું જ નહીં, આ આક્ષેપો કરનારાની પણ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ પ્રસન્ના વરાલેની બેન્ચે ઝાટકણી કાઢી હતી. વનતારા સામે પશુ-પક્ષીઓની ગેરકાયદે હેરાફેરી તેમજ હાથીઓને ગેરકાયદે રીતે ગોંધી રાખવાના આરોપ સામે તપાસની માગ કરાઈ હતી.
જો કે, વનતારા સામે વિવિધ ફરિયાદો બાદ હાથ ધરાયેલી તપાસમાં સીટ એ તમામ મુદ્દાની વિગતવાર સમીક્ષા કરી હતી. આ તપાસને અંતે રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, વનતારામાં કોઈપણ પ્રાણીઓને ગેરકાયદે લવાયા નથી, તેમની સાથે દુર્વ્યવહાર કરાતો નથી અને તેઓ સામે ભ્રષ્ટાચારના પણ કોઈ પુરાવા નથી.
આ ટીમે સ્પષ્ટ કર્યું છે કે, વનતારાની પ્રવૃત્તિ કાયદા અને નિયમોના કડક પાલન સાથે ચાલે છે અને તે મુખ્યત્વે પ્રાણીઓના સંરક્ષણ, બચાવ તથા પુનર્વસન માટે જ કાર્યરત છે. આ દરમિયાન જસ્ટિસ પંકજ મિત્તલ અને પ્રસન્ના વરાલેએ ઓછા સમયમાં રિપોર્ટ આપનારી એસઆઈટીના વખાણ કર્યા હતા.
એટલું જ નહીં, વનતારા તરફથી હાજર રહેલા સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે આ રિપોર્ટ જાહેર થાય. દુનિયામાં અનેક લોકો અમારી સાથે વ્યવસાયિક હરીફાઈ કરે છે, જેથી આ મુદ્દાનો દુરુપયોગ થઈ શકે છે.