બે આરોપીના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હિંમત રૂડાણી હત્યા કેસમાં

કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર થતા હવે પોલીસ આ બંને આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં કોર્ટે બે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ કેસમાં ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
પોલીસ દ્વારા આ કેસમાં આરોપીઓ રાહુલ અને પપ્પુ મેઘવાલની વધુ પૂછપરછ કરવા માટે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યારે કોર્ટ દ્વારા ૫ દિવસના રિમાન્ડ મંજૂર થતા હવે પોલીસ આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે.
આ પૂછપરછમાં હત્યા પાછળનો મુખ્ય હેતુ અને અન્ય કોઈ સંડોવાયેલા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવામાં આવશે. આ કેસમાં વધુ વિગતો આગામી દિવસોમાં બહાર આવવાની શક્્યતા છે. બિલ્ડર મનસુખ લાખાણીએ જ હિંમત રૂડાણીની હત્યા માટે સોપારી આપી હતી.
લાખાણી અને રૂડાણી વચ્ચે જૂના ધંધાકીય સંબંધોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના કારણે જ મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું હતું.
અગાઉ પોલીસે મનસુખ લાખાણીને શંકાના આધારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે, ત્રણ આરોપીઓની કબૂલાત અને અન્ય પુરાવાઓના આધારે તેની ભૂમિકા સ્પષ્ટ થઈ હતી. આ પુરાવા મળ્યા બાદ પોલીસે તાત્કાલિક મનસુખ લાખાણીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, આ બંને બિલ્ડરો નિકોલના ગંગોત્રી સર્કલ નજીકના એક જમીનના પ્લોટને લઈને લાંબા સમયથી લડી રહ્યા હતા. આ વિવાદ ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં જાહેર થયો હતો, જ્યારે માલિકી હકને લઈને થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે, હિંમત રૂદાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે સીઆઈડી ક્રાઈમના આર્થિક ગુના વિંગમાં ૧.૫ કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ નામનો આરોપી મનસુખ લાખાણીને ત્યાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. મનસુખે હેમંત રૂદાણીની હત્યા માટે હિમાંશુંને સોપારી આપી હતી.
પોલીસનું કહેવું છે કે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે મનસુખે હત્યાના બદલામાં રૂપિયા ૧ કરોડ રોકડા અને એક મકાન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે હકીકતમાં કેટલા રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ આરોપી મનસુખે તેના મોબાઇલમાંથી કેટલાક ફોટો અને ચેટ પણ ડીલીટ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસ દ્વારા તેનો મોબાઇલ એફએસએલમાં પણ મોકલવાની તજવીજ શરૂ કરી છે. જેના રીપોર્ટમાં પણ અનેક ખુલાસા થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ નિકોલમાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીના ભોંયરામાં આ હત્યા કરી હતી. પોલીસની ટીમ આરોપી હિમાંશુને લઇને ત્યાં પહોચી અને બનાવને લઇને વધુ તપાસ કરી હતી. હત્યા કર્યા બાદ એક આરોપીએ કેટલાક ફોટો પણ મુખ્ય આરોપી મનસુખને મોકલી આપ્યા હોવાનું હકીકત સામે આવી છે.