હિમાચલમાં મેઘરાજાનું તાંડવઃ બસ સ્ટેન્ડ ડૂબ્યું

શિમલા, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. ૧૫ સપ્ટેમ્બરના રોજ મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાને કારણે બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું અને શિમલામાં ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
આ વરસાદ હવે માત્ર હવામાનનો ફેરફાર નહીં, પરંતુ લોકો માટે એક મોટી મુસીબત બની ગયો છે, જેના કારણે ચારેબાજુ પાણી, કાટમાળ અને વિનાશ જોવા મળી રહ્યો છે.ગઈ રાત્રે ધરમપુરમાં ભારે વરસાદથી આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું, જેમાં બસો અને અન્ય વાહનો તણાઈ ગયા. સોન ખડનું જળસ્તર વધતા લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું.
આ ઘટનામાં એક વ્યક્તિ ગુમ છે. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે લોકોએ રાત્રે ઘરની છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો અને પોલીસે તત્કાળ બચાવ કામગીરી શરૂ કરી હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું, જેના કારણે ૩ રાષ્ટ્રીય ધોરીમાર્ગાે સહિત ૪૯૩ રસ્તાઓ બંધ રહ્યા.
છેલ્લા ૨૪ કલાકમાં જોગીન્દરનગરમાં ૫૬ મિમી, પાલમપુરમાં ૪૮ મિમી, પંડોહમાં ૪૦ મિમી અને કાંગડામાં ૩૪.૨ મિમી સહિત અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો. આ દરમિયાન, નગરોટા સુરિયાંમાં ૩૦ મિમી, મંડીમાં ૨૭.૫ મિમી, સરાહન માં ૧૮.૫ મિમી, મુરારી દેવીમાં ૧૮.૨ મિમી, ભરેરીમાં ૧૭.૬ મિમી અને કરસોગમાં ૧૭ મિમી વરસાદ પડ્યો.
હવામાન વિભાગ મુજબ, કાંગડા, જોત, સુંદરનગર અને પાલમપુરમાં ગાજવીજ સાથે વરસાદ થયો, જ્યારે રિકાંગપિયો અને સેઓબાગમાં તેજ પવન ફૂંકાયો.
રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર અનુસાર, આ ઘટનાને કારણે ૪૯૩ રસ્તાઓ, જેમાં ત્રણ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગાેનો સમાવેશ થાય છે, વાહનવ્યવહાર માટે બંધ રહ્યા.
આ ઉપરાંત, ૩૫૨ વીજળી ટ્રાન્સફોર્મર અને ૧૬૩ જળ-પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે.રાજ્યમાં ૨૦ જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતોને કારણે કુલ ૪૦૯ લોકોનાં મોત થયા છે અને ૪૧ લોકો ગુમ છે. આ સમયગાળા દરમિયાન, રાજ્યને ૪,૫૦૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ સિઝનમાં ૧ જૂનથી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં, હિમાચલ પ્રદેશમાં ૯૯૧.૧ મિમી સરેરાશ વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં ૪૪% વધુ છે. ચોમાસું ૨૦ થી ૨૫ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાંથી વિદાય લેવાની શક્યતા છે.SS1MS