Western Times News

Gujarati News

એઆઈ દેશની જીડીપીમાં ૫૦૦થી ૬૦૦ અબજ ડોલરનો ઉછાળો લાવશે

નવી દિલ્હી, નીતિ આયોગના રિપોર્ટ મુજબ એઆઈ ૨૦૩૫ સુધીમાં ભારતની જીડીપીમાં ૫૦૦થી ૬૦૦ અબજ ડોલરનો ઉછાળો લાવી શકે છે. તેની સાથે એઆઈ અનેક નોકરીઓનું સર્જન પણ કરી શકે છે.

આ બધુ દેશના બધા જ ઉદ્યોગો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કેટલી ઝડપથી અને કેટલા અસરકારક રીતે અપનાવે તેના પર નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે એઆઇને લઈને કેટલાય ભયસ્થાનો બતાવવામાં આવી રહ્યા છે.આ સંજોગોમાંં નીતિ આયોગના રિપોર્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું અલગ જ ચિત્ર રજૂ કર્યું છે.

નીતિ આયોગના રિપોર્ટ વિકસિત ભારત માટે એઆઈમાં ઝડપી આર્થિક વૃદ્ધિના અવસર અંગે જણાવવામાં આવ્યું છે કે આગામી દાયકામાં એઆઇનો વ્યાપક ઉપયોગ વૈશ્વિક અર્થતંત્રમાં ૧૭ લાખ કરોડ ડોલરથી લઈને ૨૬ લાખ કરોડ ડોલરનો ફાળો આપી શકે છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે ટેકનોલોજીકલ ઇનોવેશન્સની સાથે-સાથે તેના નિયંત્રણો પણ તેટલી જ ઝડપથી વૃદ્ધિ પામે તે જરુરી છે. તેમા પણ ખાસ કરીને એઆઇ ટેકનોલોજી પરનું નિયંત્રણ સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાકીને કરાય તે જરૂરી છે.

નિયંત્રણોએ પણ અત્યાધુનિક સંશોધનો સાથે તાલમેળ મિલાવવાની જરૂર છે. આપણને તેવા કોઈ નિયંત્રણોની જરૂર નથી, જે આખી ટેકનોલોજીને જ સાફ કરી નાખે.

તેના બદલે આપણે ટેકનોલોજીના દુરુપયોગને નિયંત્રિત કરતા નિયંત્રણોની જરૂર છે. અહેવાલ મુજબ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત જેવા ક્ષેત્રોમાં કર્મચારીઓની મોટી સંખ્યામાં હાજરી, ઝડપથી થતાં સંશોધન અને મજબૂત ડિજિટલ ક્ષમતા ભારતના પરિવર્તનમાં મહત્ત્વની હિસ્સેદાર બની શકે છે.

ભારતને તેનાથી વૈશ્વિક એઆઈ મૂલ્યના ૧૦થી ૧૫ ટકા ફાયદો ઉઠાવવાની કે તેના હિસ્સેદાર બનવાની તક મળશે. આગામી દિવસોમાં વૈશ્વિક એઆઈ માર્કેટમાં ભારતના નામનો ડંકો વાગતો હોય તો આશ્ચર્ય નહીં થાય. નીતિ આયોગે જણાવ્યું હતું કે એઆઇ કેટલાય રુટિન કામોનું સ્થાન લઈ લેશે તે હકીકત છે. તેમા ક્લાર્ક, કેશિયર, વોઇસ સર્વિસ, ઓનલાઇન સર્વિસ, કસ્ટમર કેર વગેરેનો સમાવેશ થાય છે. તેની સામે એઆઇથી કેટલીય નવી નોકરીઓનું સર્જન થશે તે પણ હકીકત છે.

મોટાપાયા પર આ નોકરીઓનું સર્જન થશે. આ ક્ષેત્રોનો જીડીપીમાં ૨૦થી ૨૫ ટકા ફાળો એઆઇના કારણે આવી શકે છે. જ્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં ૮૫થી ૧૦૦ ટકા જેટલી ઉત્પાદકતા વધવાનો અંદાજ છે.

નીતિ આયોગના રિપોર્ટને લોન્ચ કરતાં સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતમાં વધુને વધુ પ્રમાણમાં રાજગોર સર્જનને વેગ આપશે. અને ૨૦૩૫ સુધી ભારતના અર્થતંત્રમાં લગભગ બે ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલો ફાળો આપશે. તેમણે જણાવ્યું હતું કે એઆઇનો ઉપયોગ ઉત્પાદકતા વધારી શકે છે અને ઇનોવેશનનું સ્વરૂપ પણ બદલી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.