Western Times News

Gujarati News

‘બે વર્ષમાં ભલે કોઈ ફિલ્મ ન આવી હોય, પણ હું સૌથી વધુ ખુશ છું’

મુંબઈ, એવું લાગે છે કે સમંથા રુથ પ્રભુને રોગપ્રતિકારક શક્તિને લગતી બીમારી માયસોટાઇસે વધુ મજબૂત બનવામાં મદદ કરી છે. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની શારિરીક તકલીફો અને કૅરિઅર પ્રત્યે દૃષ્ટિકોણ વિશે વાત કરી હતી. મંગળવારે તે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના દિલ્હી ખાતે યોજાયેલા ૫૨મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનમાં હાજર રહી હતી.

સમંથાએ કહ્યું કે હવે તે આ રેસનો ભાગ બનવા માગતી નથી અને તેને કોઈ ફિલ્મ જીતી જવાની ઇચ્છા નથી. આ અંગે તેણે કહ્યું, “મારા આ પહેલાના અવતારની વર્ષમાં પાંચ ફિલ્મ રિલીઝ થતી હતી, કારણ કે ત્યારે એક સફળ કલાકારની એ જ નિશાની હતી.

એક બ્લોક બસ્ટર હોવી જોઈએ અને તમે ટોપ ૧૦ એક્ટર્સના લિસ્ટમાં હોવા જોઈએ. તે સિવાય મોટી મલ્ટિનેશનલ બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ પણ કરવું પડતું હતું. બે વર્ષથી મારી એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી, હું કોઈ ટોપ લિસ્ટમાં પણ નથી. મેં ૧૦૦ કરોડની ફિલ્મ કરી નથી, પરંતુ હું અત્યારે સૌથી વધુ ખુશ છું.”આગળ સમંથાએ કહ્યું કે પહેલાં તેને ડર લાગતો હતો. તેણે કહ્યું, “હું એટલી નાજુક હતી.

દરેક શુક્રવારે હું બદલાઈ જતી અને મને ચિંતા થઈ આવતી, કે કાલે કોઈ મારી જગ્યા લઇ લેશે તો, મારી ફિલ્મ કોઈ બીજાને મળી જશે. મારું સમગ્ર જીવન જ મારાં પોતાનાં મુલ્ય અને શુક્રવારની ગણતરીઓ પર નિર્ભર થઈ ગયું હતું.”

સમંથાએ પોતાના જીવનમાં પરિવર્તન લાવવા ઘણા પ્રયત્ન કર્યા છે. તેણે કહ્યું, “મને ખબર છે કે મારા ઘણા ફોલોઅર્સ મારી ગ્લેમરસ લાઇફ જોવા અને મારી ફિલ્મ જોવા માટે મને ફોલો કરે છે. મારી પોડકાસ્ટમાંથી તેમને મારી હેલ્થ વિષે પણ જાણવા મળે છે.

હું બસ એટલું જ ઇચ્છું છું કે એ લોકોને જરૂર પડે તો હું એમને કોઈ રીતે મદદ કરી શકું. માત્ર જે છે એની ઋણી રહેવાથી મારું સમગ્ર વ્યક્તિત્વ બદલાઈ ગયું છે. બીજા દિવસે ભુલી જવાય એવી સફળતા લાંબો સમય ટકતી નથી. આમ નિષ્ફળતા માટેનો મારો સમગ્ર અભિગમ બદલાઈ ગયો છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.