પાંચ લાખથી વધુ યોગ પ્રેમી નાગરિકોએ લીધો લાભ રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ યોગ કેમ્પનો

Ahmedabad, રાજ્ય સરકાર પ્રેરિત “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને હાલમાં રાજ્યભરમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતના નેતૃત્વમાં રાજ્યભરમાંથી પ્રતિ વર્ષ પાંચ લાખથી વધુ નાગરિકો યોગ કેમ્પમાં સહભાગી થઈને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનમાં જોડાઈને પોતાના સ્વાસ્થની કાળજી લઇ રહ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલે જણાવ્યું હતું કે, મેદસ્વિતાએ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી મેદસ્વિતા તરફ આગળ વધી છે.
રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૦ ડિસેમ્બર-૨૦૨૫ સુધી મેદસ્વિતા મુક્તિ અભિયાન યોજાશે. આ કેમ્પમાં રાજ્યના નાગરિકો વધુમાં વધુ જોડાઈને પોતાના તનના ભારની સાથોસાથ પોતાના મનનો ભાર ઘટાડી સ્વસ્થ, સુખી અને આનંદમય જીવન જીવી શકે છે તે માટે ગુજરાતના નાગરિકોને યોગ બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કેમ્પમાં નાગરિકોને માત્ર યોગ અને પ્રાણાયામનું જ્ઞાન જ નહીં, પરંતુ આહારશાસ્ત્ર સંબંધિત વૈજ્ઞાનિક માર્ગદર્શન પણ આપવામાં આવશે. મેદસ્વિતાનું મૂળ કારણ માત્ર શારીરિક નિષ્ક્રિયતા નથી, પરંતુ અસંતુલિત અને અવૈજ્ઞાનિક આહાર પણ છે. તેથી, આ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા દરેક સહભાગીને વ્યક્તિગત રીતે સમજાવવામાં આવશે કે કયો આહાર લેવો જોઈએ, કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ અને જીવનશૈલીમાં કેવા ફેરફાર કરવા જોઈએ,
આહારશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવીને મેદસ્વિતાથી મુક્ત કરી અને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આ અભિયાન દ્વારા એક સ્વસ્થ, સક્ષમ અને મેદસ્વિતા-મુક્ત ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ છે.
આ યોગ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક યોગ પ્રેમી નાગરિકોએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ www.gsyb.in પર જઈને પોતાની નોંધણી કરાવવાની રહેશે તેમ, યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.