ટ્રમ્પનો ન્યૂયોર્ક ટાઇમ્સ અને 4 પત્રકારો વિરુદ્ધ ૧૫ અબજ ડૉલરનો માનહાનિનો દાવો

File Photo
(એજન્સી)ન્યૂયોર્ક , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સ અખબાર અને તેના ચાર પત્રકારો વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. અખબારે ધનિક ફાયનાન્સર જેફરી એપસ્ટીન સાથે ટ્રમ્પના સંબંધો મુદ્દે રિપોર્ટ પ્રકાશિત કરતાં માનહાનિનો દાવો કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ટ્રમ્પે પોતે આ અંગે જાણકારી આપી હતી.
ટ્રમ્પે ગઈકાલે સોમવારે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરતાં ન્યૂયોર્ક ટાઇમ્સ અને તેના ચાર પત્રકારો વિરુદ્ધ ૧૫ અબજ ડૉલરનો માનહાનિનો દાવો કરતાં કેસ દાખલ કર્યો છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, આ અખબાર સૌથી ખતરનાક છે.
અખબારે બેદરકારીપૂર્વક ખોટી રીતે નિવેદનો પ્રકાશિત કર્યા છે. તેમણે સત્ય જાણ્યા વિના જ નિવેદનોને ખોટી રીતે રજૂ કર્યા છે. ઉલ્લેખનીય છે, ન્યૂયોર્ક ટાઇમ્સે આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
શું હતો આખો મામલો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ અખબાર અને તેના ત્રણ પત્રકારો સામે દાખલ કરવામાં આવેલો 100 મિલિયન ડોલરનો માનહાનિનો દાવો ન્યૂયોર્કની કોર્ટે ફગાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે 2018ના એક અહેવાલમાં તેમના ટેક્સ રિટર્ન અંગેની માહિતી ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી.
શું હતો કેસ? ડોનાલ્ડ ટ્રમ્પે 2021માં ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અને પત્રકારો સુઝાન ક્રેગ, ડેવિડ બારસ્ટો અને રસેલ બ્યુએટન સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં તેમણે આરોપ મૂક્યો હતો કે અખબારે તેમની ભત્રીજી મેરી ટ્રમ્પ સાથે મળીને “દુર્ભાવનાપૂર્ણ કાવતરું” કરીને તેમના ટેક્સ રેકોર્ડ્સ મેળવ્યા હતા અને તેનો ઉપયોગ ખોટા સમાચાર છાપવા માટે કર્યો હતો. 2018માં પ્રકાશિત થયેલા આ અહેવાલને પુલિત્ઝર પુરસ્કાર પણ મળ્યો હતો.
કોર્ટનો નિર્ણય ન્યૂયોર્ક સ્ટેટ કોર્ટના જજ રોબર્ટ આર. રીડે ટ્રમ્પના દાવાને ફગાવી દેતાં જણાવ્યું હતું કે પત્રકારોએ પોતાના અહેવાલો તૈયાર કરવા માટે જે માહિતી મેળવી હતી, તે “બંધારણીય રીતે સુરક્ષિત” છે. તેમણે કહ્યું કે પત્રકારોને લોકો માટે રસપ્રદ હોય તેવી માહિતી એકત્ર કરવાનો અધિકાર છે અને આ પ્રકારના કેસ પ્રેસની સ્વતંત્રતાને દબાવી શકે છે.
આ નિર્ણય પછી ધ ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, “અદાલતનો આ નિર્ણય પ્રેસની સ્વતંત્રતા માટે એક મોટી જીત છે. આ નિર્ણય દર્શાવે છે કે પત્રકારોને નિખાલસતાથી અને સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરવાનો અધિકાર છે.” આ સાથે જ, ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકારોએ પણ ખુશી વ્યક્ત કરી છે.