નિવૃત્ત DGP- ADGP પોલીસ અધિકારીઓના સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો

પોલીસ પરિવારનો અભિન્ન અંગ એવા નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓનું આદર અને સન્માન કરવું એ માત્ર અમારું કર્તવ્ય જ નહીં અમારી ફરજ પણ છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય
પોતાનુ સંપૂર્ણ જીવન સમર્પિત કરી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનાર ૪૦થી વધુ ડીજીપી અને એડીજીપી રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું
ગુરુ વંદનાના વિશેષ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે ગુજરાત પોલીસના ઇતિહાસને ઘડનાર એવા નિવૃત્ત DGP- ADGP પોલીસ અધિકારીશ્રીઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજવાની પરંપરા ગત વર્ષથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે ફરી એકવાર પોતાની આગવી પરંપરા જાળવી રાખી આજે સેલ્યુટ અવર મેન્ટર્સ કાર્યક્રમનું આયોજન પોલીસ ભવન ખાતે કર્યું હતું.
જે પોલીસ અધિકારીશ્રીઓએ પોતાનુ સંપૂર્ણ જીવન ગુજરાત પોલીસ સેવામાં સમર્પિત કરી ગુજરાત પોલીસનો સુવર્ણ ઇતિહાસ ઘડ્યો છે તેમજ અનેક નવીન પરિવર્તનો લાવીને ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા નિવૃત્ત ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના પોલીસ અધિકારીશ્રીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીશ્રીઓનું આજે આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ડીજીપી અને એડીજીપી જેવા ઉચ્ચ પદ પરથી નિવૃત્ત થયેલા ૪૦થી વધુ અધિકારીશ્રીઓ અને તેમના પરિવારો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ અવસરે જણાવ્યું હતું કે, જે સમર્પિત ભાવથી આ નિવૃત્ત અધિકારીશ્રીઓએ દેશ અને રાજ્યની સેવા કરી છે, તેનો આદર અને સન્માન કરવું એ અમારા કર્તવ્યની સાથે સાથે અમારી ફરજ પણ છે.
તેમણે ઉમેર્યું કે ‘પોલીસ પરિવાર‘ની ભાવનામાં નિવૃત્ત અધિકારીઓનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. તેઓ આપણા માર્ગદર્શક અને મેન્ટર છે. જેમની આદર સાથે સંભાળ રાખવી અમારી ફરજ છે અને તે માટે અમે શક્ય તેટલું તમામ યોગદાન આપવા તત્પર છીએ.
આ કાર્યક્રમનું આયોજન વર્ષ ૨૦૨૪થી શરૂ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે ગત વર્ષ કરતા પણ મોટી સંખ્યામાં ગુરુજનો ઉપસ્થિત રહ્યા તે ગુજરાત પોલીસ પરિવાર માટે ગૌરવની વાત ગણાવી શ્રી વિકાસ સહાયે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્તમાન ફરજરત પોલીસ અધિકારીશ્રીઓએ આપેલા યોગદાન બદલ તે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
નિવૃત્ત ડીજીપી શ્રી અરુણ કુમાર ભાર્ગવ, શ્રી એસ.એસ.ખાંડવાવાલા, નિવૃત્ત સિનિયર આઇપીએસ શ્રી મીરા શ્રીનિવાસ, શ્રી અજયકુમાર તોમર, શ્રી સતીશકુમાર શર્મા, શ્રી વિજય સિંઘ ગુમાન, શ્રી શિવાનંદ ઝા, શ્રી જે.એસ.બિન્દ્રા સહિતના નિવૃત્ત અધિકારીશ્રીઓએ આ કાર્યક્રમને આવકારીને સમગ્ર આયોજનની પ્રશંસા કરી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
તેમણે જણાવ્યું કે આ પ્રકારનું આયોજન કદાચ એકમાત્ર ગુજરાત રાજ્યમાં થતું હશે અને તે ખરેખર પ્રશંસનીય છે. વધુમાં કહ્યું કે, ગુજરાત પોલીસમાં માળખાકીય તેમજ ટેકનોલોજીકલ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તેની સાથે જ ગુજરાત પોલીસ માટે નવી જવાબદારીઓ પણ ખૂબ વધી છે, જેને ગુજરાત પોલીસ સુપેરે નિભાવી રહી છે.
આ કાર્યક્રમમાં નિવૃત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ શ્રી કે.આર.કૌશિક, શ્રી પી.પી.પાન્ડે, શ્રી એચ.પી. સિંઘ, શ્રી ગીથા જોહરી, શ્રી સંજય શ્રીવાસ્તવ, શ્રી અતુલ કરવલ, શ્રી એ.કે.સુરોલિયા, શ્રી આશિષ ભાટિયા, શ્રી હસમુખ પટેલ, શ્રી વિનોદ કુમાર મલ્લ, શ્રી અનિલ પ્રથમ તેમજ શ્રી એ.કે.શર્મા સહિત અનેક નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓ ઉપરાંત વર્તમાનમાં ફરજરત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.